RSS

સત્તર સેકન્ડનું આકાશ : પ્રકરણ – 10

16 Aug

દસમી ક્ષણ

લાકડીને ચોંટેલી ધૂળ તો ખંખેરાઈ ગઈ પણ હૈયામાં ચોંટેલી અણગમતી વાત કેમેય ખંખેરાઈ શકાશે નહીં એવું જયને લાગ્યું. પછી એ કોઈએ આપેલા જખમોની ધૂળ હોય કે ધૂળમાં રગદોળાઈ વળેલા જીવનની વાત હોય.

બાઇક પરથી પડતાં ફ્રેકચર થયું ત્યારે એક પખવાડિયું દવાખાને રહેવું પડેલું. પગ ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. જયને થતું કે આવી રીતે તૂટેલા દરેક સંબંધનેય કોઈ પ્લાસ્ટર થઈ શકતું હોત તો? હાડકાઓની માફક ‘ક્રેક’ થયેલા સંબંધો પણ આ રીતે સાંધી શકાતા હોત તો કેવું સારું થાત?

સમાજમાં ઘણાયે તૂટેલા સંબંધો ફરી જોડાઈ ગયાનાં ઉદાહરણો મળી આવે છે, પરંતુ અહીં પણ નિયમ તો વળી પાછા સરખા જ લાગુ પડે છે. હાડકાની જેમ સંબંધો જેટલા કુમળા એટલા ઝડપથી ફરી સંધાઈ જાય છે અને મજબૂત પણ કઠણ હાડકાને જેમ સંધાતાં વાર વાગે છે એમ એવા પ્રકારના સંબંધોને ફરી જોડવા મુશ્કેલ હોય છે ને જોડાય તો પણ કોઈ એકાદી ખોડ જરૂર રહી જતી હોય છે.

બરડ અને બટકણા વહેવારો પાછા જોડાઈ શકતા જ નથી. એ સત્ય પણ જયને એના તૂટેલા હાડકાએ જ સમજાવ્યું. દવાખાનાની પથારીમાં એ ખૂબ બોર થઈ જતો. એનો આખો પરિવાર સરભરામાં રહેતો તોય એની આંખો જાણે કોઈકની રાહ જોઈ રહી હતી. જયનાં માતાપિતા, કાકાકાકી બધાં જ દવાખાને એની પાસે રહેતાં હતાં. બીજા નજીકના સંબંધીઓ પણ આંટો મારી જતા.

પહેલા બે દિવસ તો એને થયું કે વનિતાને ખબર મળતાં વાર લાગે એટલે એ કેમ આવે? પણ પછી જે મિત્રનું બાઇક શીખવા જતાં ફસડાયો હતો એ જ મિત્રે હરેશને સમાચાર આપવા મોકલ્યો હતો.

દિવસ ઊગે અને એ વનિતાની રાહ જોવા માંડતો. હમણાં આવશે.. હમણાં આવશે… પણ વનિતા એને દેખાય જ નહિ. હરેશ પણ ગયો એ ગયો, પછી ફરી વાર તો એ પણ ડોકાયો નહિ.

પોતે સૂઈ ગયો હોય ને જાગે ત્યારે પાસે જે હોય એને પૂછે, ‘મને મળવા કોઈ આવ્યું હતું? જવાબમાં ‘ના’ મળે અને જવાબ ‘હા’ મળે તો પણ મળવા આવનારના નામની યાદીમાં વનિતાનું નામ તો ન જ હોય.

ઊઘ જ ઓછી થતી ગઈ. એમ છતાં સૂવું હોય તો સૂતાં પહેલાં પાસે જે હોય એને કહે, ‘એવું કોઈ ખાસ આવે તો મને પણ પાછા જગાડજો હોં.’

આ ખાસ એટલે કોણ એ બધાં જ સમજતાં હતાં, પણ કોઈ મગનું નામ મરી શું કામ પાડે? બધું જ જાણતાં હોવા છતાંય કાકીએ એક વાર જયની માને પૂછેલું, ‘ભાભી,આને કોની રાહ છે

તે આમ પૂછે છે? મને કહો તો હું બોલાવી લાવું.’ ખબર હોવા છતાં પુછાતાં આવા સવાલોનો આવો જ ખોટો જવાબ આપવામાં સ્ત્રીઓ હંમેશાં ખૂબ કુશળ સાબિત થતી હોય છે. જયની માએ જવાબ આપ્યો, ‘રાહ તો કોની હોય, પણ આ દવાખાનાની પથારીમાં એકધારા પડયા રહેવાથી એનું ચિત્તભ્રમ થઈ ગયું છે. એટલે એની વાતને બહુ મોરાગ દેવાની જરૂર નથી. એને સારું લાગે એવિો જવાબ દઈ દેવો એટલે વાત પતે, બીજું શું?’

દવાખાનાનું વાતાવરણ એકદમ નીરસ હતું. જયે ફિલ્મોમાં અને પુસ્તકોમાં વાંરયું હોય એમાંનું કાંઈ જ અહીં નહોતું. બારીમાંથી તાજગીભરી હવા અંદર આવવાને બદલે દવાઓની વાસ આવ્યા કરતી. જેને જોઈને કદાચ જય રાતદિવસ પસાર કરી શકે એવા આકાશનો એક નાનો સરખો ટુકડો પણ જયને એ બારીમાંથી જોવા નહોતો મળતો. બારી સામેની મેલી દીવાલો પરથી છત તરફ જતાં ગટરનાં ભૂંગળાં દેખાતાં. એની વરચે કેટલીક જગ્યાએ જામી ગયેલી લીલમાં વનસ્પતિ ઊગી નીકળેલી.

છજા પર કબૂતરો આવીને બેસતાં અને પાછાં ઊડી જતાં.ફૂલદાનીમાં રોજ નવાં તાજાં ફૂલો બદલાવતાં હોય એવું દ્રશ્ય એણે ઘણી ફિલ્મોમાં જોયેલું, પણ આખાયે સ્પેશિયલ રૂમમાં ફૂલદાની જ નહોતી પછી ફૂલો બદલાવવાની તો વાત જ કયાં રહી? સામેની ભીંત પર લગાવેલી ઘડિયાળ ચોવીસ કલાકમાં બે જ વખત સાચો સમય બતાવી શકતી હતી. ઘડિયાળનું ખરું મહત્ત્વ પણ આપણને ઘણી વાર આવા કોઈ સંજોગોમાં જ સમજાતું હોય છે. કોઈની રાહ જોતાં હોઈએ ને ઘડિયાળ ચાલુ ન હોય ત્યારે પરિસ્થિતિ સારી એવી કપરી બની જતી હોય છે.

દુ:ખમાં જ સુખનું મહત્ત્વ સમજાતું હોય છે. કોઈની ગેરહાજરીમાં જ એમની ખોટ વરતાતી હોય છે. દિવસ કરતાં રાત્રે સૂરજની મહત્તા જલદી ગળે ઊતરે છે. પરણી ગયા પછી કુંવારા હોવાપણાનો સ્વતંત્ર વિચાર પણ તમારી નજીક ફરકી શકતો નથી. સહજ કરતાં દુર્લભ બાબતોનું આપણને વધારે આકર્ષણ થાય છે. એટલે માંદગી આવે ત્યારે જ આપણને તંદુરસ્તીની કમિંત સમજાતી હોય છે.

જે જિંદગી સુંદર કુદરતી દ્રશ્યો વરચે આળોટતી હોય છે, જે જિંદગી સુખેથી ચાર ટાઇમ ભોજન, ચાનાસ્તા માટે સ્વતંત્ર હોય છે. જે જિંદગી પોતાની નિજી રફતારમાં ઉત્સાહથી દોડવા ટેવાયેલી હોય છે. જે જિંદગી દુન્યવી સુખોની રેલમછેલથી છલકાતી હોય છે. જે જિંદગી અવનવા રંગે રંગાતી રહેતી હોય છે. એ જિંદગી ચાર મેલી દીવાલો અને એક બારીની વરચે તેજ અવાજે પણ ધીમી ગતિએ ફરતાં પંખાની નીચે અમળાતી હોય છે. એ જિંદગી ચાર ટાઇમ પપૈયું, સંતરા-મોસંબીનો રસ અને કેિલ્શયમ યા જિલેટીન કેપ્સ્યૂલ સિવાય કશોય સ્વાદ લેવા સ્વતંત્ર નથી હોતી. એ જિંદગી પથારીમાંથી નીચે પગ પણ મૂકી નથી શકતી. એ જિંદગી જાણે તીખા સણકા અને પીડાના અંધારા કૂવામાં ડૂબી જાય છે. એ જિંદગી લીલા પડદા અને સફેદ ઓછાડના રંગે રંગાઈ જાય છે. એ જિંદગી કોઈ સેવાભાવી કાર્યકરે પથારી સુધી આવીને આસ્થાપૂર્વક વાંચવા આપેલા મફત ધાર્મિક પુસ્તકને અનેક વાર વાંચવામાં જાણ્યે-અજાણ્યે બધાં જ દુન્યવી સુખોને ભૂલી જાય છે.

એ જિંદગી માંદગીના બિછાને કોઈ પોતાની ખબર પૂછવા આવે એવી આશાએ સાજી થવા મથતી જાય છે. મથતી જ જાય છે.

માબાપ, કાકાકાકી બધું જ સમજતાં હોવા છતાં વિશેષ કશું કરી શકે તેમ નહોતાં. એમનાથી થતી બધી જ સેવાઓ એ કરતાં. જયને રાહ હતી તે હરેશની કે જેણે તેણે વનિતા પાસે સમાચાર આપવા મોકલ્યો હતો.

દવાખાનેથી રજા મળ્યા બાદ ધેર આવ્યા પછી પણ પ્લાસ્ટરવાળો પગ બહુ હલાવવાની ડોકટરે મનાઈ કરી હતી. મોબાઇલ પર ગેમ રમી રમીને જય થાકી જતો. વનિતાને મોકલેલા એસએમએસ વનિતા સુધી પહોંચતા જ નહોતા. હરેશ તો પછી દેખાયો જ નહિ ને એનો મોબાઇલ પણ લાગતો બંધ થઈ ગયો. કહે છેને દુ:ખ આવે ત્યારે બધી બાજુએથી આવે છે. એટલે પછી ન તો હરેશ મળવા આવ્યો કે ન તો વનિતા આવી. પરિણામે જયને માટે તો માંદગી બમણી થઈ પડી. પગની સાથોસાથ એનું દિલ પણ તૂટી ગયું.

છેવટે ત્રણના બદલે ચાર મહિને જયનો પગલ સારો થયો. હંમેશની જેમ નક્કી કર્યું હતું કે ચાલતાં થયા પછી ચાલીને જ ઝાંઝરિયા હનુમાનજીનાં દર્શને જવું.

એટલે એક દિવસ નીકળી પડયો હાથમાં ટેકણલાકડી લઈને એ ઝાંઝરિયા તરફ. બિલકુલ આજની જેમ જ એ જ રસ્તે જય ચાલવા માંડયો. એ વખતે પણ સામેથી આવતું એક બાઇક એને પરેશાન કરવા લાગ્યું. બંને પગે ફ્રેકચર થયું હોય એમ પગલાં આડાંઅવળાં પડવા લાગ્યાં. ચશ્માંની આજુબાજુ ધુમ્મસ છવાઈ ગયું. આખાયે રસ્તા પર જાણે બાઇક સિવાય કશું જ નજરે નહોતું ચડતું.

એ જખમોની સીમા, એ જખમોની પીડા, એ જખમોની વેદના, એ જખમોની સિસકારીઓ, એ જખમોની ગહેરાઈ, એ જખમોની લીલાશ, અરે સ્વયં એ જખમો પણ, … બધું જ વધતું જતું હોય છે. સાવ સહેલી લાગતી વાત આમ જટિલ બની જાય છે. જીવન જેટલું સરળ ધારી લઈએ છીએ એટલું જ જટિલ પણ હોય જ છે.

…ને હંમેશાં દરેક માયૂસ ઇન્સાનને ફરી હકારાત્મક દ્રષ્ટિકોણ સુઝાડીને જીવન તરફ પાછો વાળવા માટે બાબાસ્વામીઓ મળી જ જાય એવું થોડું હોય છે? એ બધાનું શું થતું હશે? જયને પ્રશ્ન થયો.

સારું હતું કે જયને બાબાસ્વામીનો સાથ હતો. એણે ધીમી રફતારે ફરી પોતાનું જીવન જીવવું શરૂ કર્યું. ફ્રેકચરનો પાટો નીકળી ગયા પછી હાડકાઓ ફરી પાછાં એકબીજા સાથે સંધાતાં ગયાં. જિંદગી પાટે આવતી ગઈ. વધુ પડતી સંવેદનશીલ તાસીર હોવાને લીધે જરા વધારે સમય લાગ્યો, પણ એણે આખરે પોતાની જાતને સંભાળી લેવાનું બહુ અઘરું કામ પાર પાડયું. વાત ઘણી મહત્ત્વની હતી. એવે વખતે પણ એણે આકાશમાંથી સારી એવી પ્રેરણા મળી હતી. અનેક વિપરીત પરિસ્થિતિઓની વરચે પણ નિયમિત રીતે ઊગતો સૂરજ એના હારી ચૂકેલા મનને ખૂબ બળ આપતો હતો.

…લાકડી ખંખેરવા જતાં તો જયની સામે કેટલીયે ન ભુલાયેલી ક્ષણો આવીને ઊભી રહી ગઈ. તેની નજર સામે ડામરની સડક, વાહનોની સામાન્ય અવરજવર, લાલ આકાશ, ભૂતકાળની ક્ષણો અને સામેથી આવી રહેલી બાઇક. જયને ફરી વખત લાકડી ઠપકારવાનું મન થઈ આવ્યું.

ક્રમશ:

Advertisements
 
1 Comment

Posted by on August 16, 2012 in ગુજરાતી, નવલકથા

 

Tags: , ,

One response to “સત્તર સેકન્ડનું આકાશ : પ્રકરણ – 10

  1. કૃણાલ ઓઝા

    June 9, 2017 at 6:16 pm

    Superb…

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: