RSS

Monthly Archives: March 2015

સર્જકસંવાદ શ્રેણી-૬


તું… તું જ નથી ? સાચું કહુ તો તારામાં એ તું નથી જેને હું મનોમન ચાહુ છું.
નહિતર આવું બને ? તું જ કહે, મારે મારા મનની વાત તારા સુધી પહોચાડવા માટે આ શબ્દોને મોહતાજ થવું પડે મારે ? હું ઝુરતો હોઉં.. હિજરાતો હોઉં.. વલખતો હોઉં.. ને તને એની ખબર જ ન પડે એ વાત હું માની શકું એમ નથી જ. તને કંઈ પણ કહેવા માટે શું મારે કોઈ માધ્યમનો સહારો લેવો પડે ? અરે, એવી જરૂરિયાત ઊભી થાય એ પહેલા તો મારા મનની વાત તારા સુધી ક્યારનીયે પહોચી ન ગઈ હોય ?
પળવારમાં જ મારો ચહેરો વાંચી શકનારી તું, દિવસો સુધી.. વર્ષો સુધી.. આ સ્થૂળ શબ્દો પણ ન વાંચી શકે ? સંભવ છે ? આવું તો જ બને કે તું ખરેખર હવે તું ન રહી હો. તારામાંથી તું કશેક ચાલી ગઈ છે ! હા, બની શકે કે આવું હું એટલા માટે ધારી લેતો હોઊં કારણ કે મારે એવું નથી ધારવું અથવા એવું નથી ધારી શક્તો કે; વાસ્તવમાં તો તારામાંથી હું જ વિસરાઈ જવાયો છું !
કદાચ મારી જાત માટે આ એક આશ્વાસન માત્ર હોય ! ને, ..તું જાણે છે ને કે આશ્વાસન માણસને જીવાડતું નથી તો મરવા પણ ક્યાં દે છે ?

 

Tags:

સર્જકસંવાદ શ્રેણી-૫


તું આવે છે ને આ ગુરુવારે ?
તે કહેલું કે બે-ચાર દિવસનો જ સવાલ છે ! આ ગુરુવારે તો હું આવું છું ! માવઠાના વાદળોની જેમ આ દિવસો તો પસાર થઈ જશે. ગણતરીની ક્ષણોમાં જ મારા વિનાની આ રાતો સપનાઓને ચીરતી ક્યાંય નીકળી જશે. આંખના પલકારામાં તો હું પાછી આવી પહોચીશ તારા વાસ્તવની ભૂમિ પર ! રે બુદ્ધુ.. થોડી પળોનો વિરહ એ કઈ વિરહ કહેવાતો હશે ? જરા આ ક્ષણજીવી વિલંબની મજા માણ ત્યાં, હું તો આ ગઈ ને આ આવી !
..તો તું આવે છે ને ? હું રાહ જોઉં છું તારી. માવઠું પત્યા પછી રહી રહી ને આવેલા ચોમાસાના વાદળો પણ થાકીને નીતરી ગયા. ક્ષણોની ગણતરી તો હવે શી વિસાતમાં ! રાતોની રાતો સપના વગરની બંજર ભૂમિની જેમ સૂકાતી ચાલી. અપલક તારો રસ્તો નિહાળતો આ બુદ્ધુ હજીયે આપણા કાયમના મળવાના ચોક્કસ ત્રિભેટે મીટ માંડી ઊભો છે !
અસંખ્ય ગુરુવારો પસાર થતા રહે છે. એક પ્રશ્નનો ઉત્તર મને મળતો નથી; ક્ષણજીવી વિલંબ આટલો પ્રલંબ કેમ ? પણ એમ હું હારી જાઉં એવો તો નથી જ. મને ખબર છે, તું મને હારતો જોવા પણ ન જ ઈચ્છે ને !
..તો તું આવે છે ને આ ગુરુવારે ? કારણ કે, વર્ષો પહેલા તું જ્યારે ગઈ ત્યારે જતા જતા તે એટલું કહેલું કે, આ ગુરુવારે તો હું આવું છું !

 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી-૪


તું જાણે છે કે તું હોવા છતાં મારી પાસે નથી એનું દુઃખ કેવું હોય ?
તું સમજે છે કે વરસ્યા વગર છેહ દઈને છટકી જતા વાદળ નીચે તરડાયેલા સૂકાભઠ્ઠ સરોવરની પીડા શું હોય ?
બોલ, તું ઓળખે છે કોઈ તરસ્યા સાગરને ? તું અનુભવે છે ક્યારેય ચાંદનીના ધોમધખતા પ્રખર તાપ ને ? તું જુએ છે આખુંય જગત ક્યારેય કોઈ સુરદાસની નજરે? તું રડે છે ક્યારેય બીજાના સુખ માટે ? તને થયું છે ક્યારેય કશુંક લાગણીનાં તાવ જેવું ? તું સમજે છે એક અણસમજુ અધકચરા અને અધીરા પુરુષની ભરપૂર અધીરાઈને ? તે જોયો છે સૂરજના શીતળ પડછાયાને ? તે માપી છે કદી દરિયાથીયે ઊંડા હૈયાંની અસીમતાને ?
આ બળુકા વાસ્તવની મીઠી છતાંયે છેતરનારી ઊંઘમાંથી તું ક્યારે જાગીશ ? પાંખો ફેલાવીને ઉડતા ઉડતા દૂર ગગનમાં ઊંચે ઊંચે જવાને બદલે આ તરફ કિનારે તારો જ માળો સાચવીને અડીખમ ઊભેલા સૂકાયેલા એક ઝાડ તરફ તું ક્યારે જોઈ શકીશ ?
છોડ એ બધું, માત્ર એટલું જ કહે કે તું વિચારે છે કદી કે જગતના કોઈ અંધારા ખૂણે બુઝતી આંખે કોઈ તારી પણ રાહ જોતું ઝુરતું બેઠું હશે ? વિચારે છે ??

 

Tags:

સર્જકસંવાદ શ્રેણી-૩


તને…
હા, તને કશો ફેર પડવાનો નથી. પણ મને તો ફેર પડે જ ને ? તારું હોવું અને તારું ન હોવું – બંને વચ્ચે મને જે ફરક પડે એ તું ન સમજી શકે એવું તો નથી જ.
તું હો તો દુનિયા છે, તું હો તો જીવન છે, તું હો તો ઉજાસ છે, તું હો તો સરગમ છે, તું હો તો ઈશ્વર છે, તું હો તો પ્રેમ છે, તું હો તો હું છું. પણ જો.. તું ન હો તો કશું જ નથી, તું ન હો તો જગત નથી, તું ન હો તો દૃષ્ટિ નથી, તું ન હો તો સંગીત નથી, તું ન હો તો કુદરત નથી, તું ન હો તો સંવેદન નથી, તું ન હો તો હું પણ નથી જ ! –બસ માત્ર આટલો જ ફરક પડે છે મને !
પણ તું છે જ એની મને ખાતરી છે, જરૂર માત્ર છે તારામાં તને પુનઃ આરોપિત કરવાની. તારામાં રહેલી મારી જાણીતી આ ‘તું’ અત્યારે સુષુપ્ત થઈ ગઈ છે, એ ‘તું’ને જાગૃત કરવાની જ માત્ર આવશ્યકતા છે. પણ નથી જાણતો કે હું તને શી રીતે ઝંકૃત કરી શકીશ. નથી જાણતો કે આ ‘હું’ ક્યારે ‘તું’ સુધી પહોચી શકશે ? નથી જાણતો કે હું તને ફરી કેવી રીતે મેળવી શકીશ.
તને પામવાના આ હવાતિયામાં નકારાત્મક સંભાવનાઓના કંટકો સતત મને લોહીઝાણ કરતા જ રહે છે, કેમકે, તને મેળવવા માટેના મારા અથાક પ્રયત્નો અવિરત ચાલુ હોવા છતાંયે જો હું તને નહી મેળવી શકું.. તો ??

 

Tags: