RSS

Monthly Archives: August 2015

સર્જકસંવાદ શ્રેણી-૧૧


..૧૧..
જો, તારે પાછા આવવું જ હોય તો અત્યારે હમણાં જ આવી જા ને !
તને ખબર છે કે રાહ જોવી એ મારી તાસીર નથી. સ્વભાવે અધીર ખરો ને ! ક્યાંક એવું ન બને કે પછી રહી રહી ને તું જ્યારે આવે ત્યારે તને આપવા માટે મારી પાસે કશુંય બચ્યું જ ન હોય ! ક્યાંક એવું ન બને કે હું જ..! બધું જ ખરચાય જાય ત્યારે ધીરજ પણ ખૂટી પડતી હોય છે.
માટે જો તારે આવવું જ હોય તો હમણાં જ; નહિતર ક્યારેય નહિ !
કેમ કે સમય વીત્યા બાદ મળતી જીત અને હારમાં કોઈ તફાવત હોતો નથી. વિલંબે મળતી તૃપ્તિ અને અતૃપ્તિમાં કોઈ ફેર હોતો નથી. વિચ્છેદ ભૂલાયા પછી મિલનનો આનંદ પણ અનુભવી શકાતો નથી હોતો. સમય ચૂકી જઈશ તો ક્યાંક એવું ન બને કે તારું આવવું જ વ્યર્થ બની જાય !
કદાચ તેં વિચાર્યું હોય કે કાલે જઈને હું બધું જ સંભાળી લઈશ, તો એ મને મંજૂર નથી. કેમ કે આવતીકાલ ક્યારેય આવતી નથી. હું આજમાં જ માનું છું. આવતીકાલ માત્ર કૅલેન્ડરમાં જ હોય છે, જીવનમાં તો કેવળ ‘આજ’ હોય છે. અને જો તું કાલે આવવાની જ હો તો પછી આજે જ આવી જા ને ?
તો બોલ, શું કહે છે ? હમણાં જ ? કે પછી ક્યારેય નહિ ?

 

Tags:

સર્જકસંવાદ શ્રેણી-૧૦


..૧૦..
તોયે.. આ વરસાદ સમજતો જ નથી ! જોકે એમાં એનો શો વાંક ? હું ને તું મેઘ સાથે સંદેશાઓ મોકલવાનું ને ઉકેલવાનું તો ક્યારનુંય બંધ કરી ચૂક્યા છીએ ને ! આપણે જ એને હવે નથી સમજતા તો એ આપણને શું કામ સમજે ?
એકલો પલળું તો છીંકાછીંક કરતું નાક નીતરે છે, ને કોરો રહું તો આંખ ! તને તો આ વરસાદ ક્યારેય પજવી શક્યો જ નહિ હોય ને ! તું તો ઉલટાની ત્યાં દૂર ઊભી ઊભી મારી મજાક ઊડાડતી રહેતી હોઈશ. આવું જ થાય છે, કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય.. તે આનું નામ.
જો કે આમ પણ મારે વરસાદમાં હવે નહાવું હોતું નથી. વરસાદનો તો હવે એક છાંટોય મને સહેજ પણ રોમાંચ કેમ નહિ આપી શક્તો હોય ? મારા અંદરની લાગણીઓ ખૂટી પડી હશે ? કે બહારના વરસાદ સામે અંદરનો વરસાદ ડૂકી ગયો હશે ?
તને ખબર છે ? હવે તો વરસાદ આવે કે તરત જ સમજણની કાળી છત્રીઓ ખોલીને હું બેસી જાઊં છું !
ભલે ચોમાસાઓ આવે ને જાય. ધોધમાર વરસાદ આવે ને જાય. પણ આ દેડકાભાઈ ફરી કોઈ કાગડાભાઈનું રમકડું બની ન જાય એ માટે છત્રીની બહાર નીકળવાના નથી જ હો !
હેય.. જોજે હો; બી કૅરફૂલ, ક્યારેક કોઈ બળૂકા વાવાઝોડામાં વરસાદની તોફાની હવામાં જો આ ‘છત્રીઓ’ જ કાગડો થઈ જશે ને… તો…? ત્યારે હાલ તો દેડકાભાઈના જ ભૂંડા થવાના નેં ! પ્લીઝ, બી કૅરફૂલ..હાં !

 

Tags: