RSS

Category Archives: વાર્તા

પહેલાં અને પછી વાર્તા-અજય ઓઝા

પહેલાં અને પછી વાર્તા-અજય ઓઝા

ટ્રેન ઉપડી, ને બરાબર એ જ સમયે તે આવીને મારી સામેની બારી પાસેની સીટ પર ગોઠવાઈ ગઈ. ઘડીભર તો હું જોઈ જ રહ્યો. શિવાની ? આંખ માની ન શકે. આ એ જ હશે ? ન જ હોય, હોય જ ન શકે. જોકે લાગે છે તો એવી જ, અદ્દલ એવી જ. જરાયે બદલાઈ નહિ હોય ! સહેજ પણ ! બિલકુલ એવી ને એવી જ લાગે છે, જેવી એ પહેલાં હતી.
કેટલાક લોકો પહેલા અને પછી પણ.. બદલાતા હોતા નથી.
ના ના, એ નહિ હોય. ભલે એના જેવી લાગે. પણ એ જ હોય એવું બને નહિ. આની સાથે તો એનો પતિ અને એક બાળકી પણ હોય એવું લાગે છે. ઘણી વાર આપણી આંખ પણ ધોખો આપી દે છે. પહેલી નજરના પ્રેમમાં પણ એવું જ તો બનતું હોય છે, નહિ ! દેખાય એના જેવી પણ અવાજ કદાચ અલગ હોય. પણ એ કેમ ખબર પડે ? કશુંક બોલે તો..
‘ગાડી આજે સમયસર છે… નહિ ?’ મારા વિચારો પામી ગઈ હોય એમ એ બોલી. હું સહેજ કંપી ગયો.. એ જ.. બિલકુલ એ જ અવાજ. એ જ લહેકો.. અરે… આ તો એ જ છે ! શિ..વા..ની..!
હું અચાનક આવી પડેલા એના સવાલ પર ધ્યાન દઉં કે એના અવાજ પર ફોકસ કરું, એ નક્કી જ ન કરી શક્યો !
‘હે.. ? હા… સમયસર જ હોય છે હમણાંથી.’ હું બોલ્યો.
મને પ્રશ્ન થયો, જો શિવાની જ હોય તો મને કેમ ઓળખી ન શકી ? ઓહ.. હા, કેટલા વરસ થઈ ગયા ! એ નથી બદલાઈ, પણ હું તો હવે પહેલા જેવો ક્યાં રહ્યો છું ? ના અવાજ, ના દેખાવ, ના સ્વભાવ, કશુંય પહેલા જેવું નથી રહ્યું. હું જ પહેલા જેવો નથી રહ્યો તો !
મારું તો સઘળું બદલાઈ ચૂક્યું છે. જાણે મારું જગત જ બદલાઈ ગયું હોય એમ લાગે. એને આપેલા નંબરવાળા સીમકાર્ડ સિવાય મેં તો કશુંયે એનુ એ રાખ્યું જ નથી. દાઢી-મૂછ પણ નહિ. હું પહેલા જેવો નથી રહી શક્યો.
એના પતિનો ક્લીનશેવ્ડ ચહેરો જોઈ મને કશુંક યાદ આવ્યું.
‘આ કરકરી દાઢી હવે હમેશા મારે જોઈશે જ..’ એણે એકવાર કહેલું, ને મેં એની વાતનો એના ચાલ્યા ગયા પછી પણ લાંબા સમય સુધી અમલ ચાલુ જ રાખેલો ને.
એ મને ઓળખી ન શકી તોયે એનાથી નજર છુપાવવા હું બારી બહાર જોવા માંડ્યો. એ તો બિલકુલ સ્વાભાવિક રીતે જ બેઠી બેઠી બધું નિરીક્ષણ કરી રહી હતી.
રહી રહી ને એક સવાલ સળવળે છે, એ મને ઓળખી નહિ શકી હોય કે મને ઓળખવા જ નહિ માગતી હોય ?
કદાચ આ સમયમાં તેનામાં આ જ ફરક પડ્યો છે.. પહેલા એ મને ઓળખતી હતી ! અને હું ? પહેલા પણ, અને આજે પણ, કદાચ એને ઓળખી જ નહિ શકું.
સરકતી એક સાંજે તળાવની પાળે હાથમાં હાથ પકડીને એણે મને કહેલું, ‘જો તારી સાથે લગ્ન નહિ કરી શકું તો બીજા કોઈની પણ હું થઈ શકીશ નહિ, હું બીજા કોઈનો હાથ પકડી નહિ શકું.’
મેં મારો હાથ ખોલ્યો અને હથેળીમાં છપાયેલી એના હાથની છાપ શોધવા પ્રયાસ કર્યો. કશુંયે ન મળ્યું એટલે એની હથેળી જોવા વિચાર્યું પણ એનો હાથ તો એના પતિના હાથમાં ક્યારનોયે પરોવાઈ ચૂક્યો હતો.
‘મમ્મી, મને ભૂખ લાગી છે.’ એની બાળકી બોલી પણ એ બન્નેમાંથી કોઈએ કદાચ સાંભળ્યું નહિ. હું એ બાળકીને જોઈ રહ્યો.
‘એક સવાલ પૂછું ?’ તળાવની પાળે એનો હાથ છોડ્યા વગર એ સમયે મેં પૂછેલું, ‘આપણાં સંતાનનું નામ શું પાડીશું ?’
પહેલેથી જ નક્કી હોય એમ એણે એટલી જ સ્ફૂર્તિથી જવાબ આપેલો, ‘માહી.’
‘સ્યૉર ? બેબી ગર્લ ? હાઉ ડૂ યૂ નૉ ?’
‘મને ખાતરી છે, માહી જ નામ રાખીશું. બીકોઝ આઈ નૉ… આપણે ડોટરને જ જન્મ આપીશુ.’
‘એમ ? પછી એ પણ તને મારી જેમ ખૂબ પજવશે તો ?’
‘તું બચાવી લેજે ને મને, જેમ આજે બચાવે છે એમ..’ એ હસી પડેલી.
ટ્રેનમાં સ્પીડબ્રેકર્સ આવતા નથી હોતા એટલે વિચારો પૂરપાટ ગતિમાં દોડી શકતા હોય છે, પણ એની બાળકીને ભૂખ લાગી હતી. એટલે અકળાતી હતી.
‘મમ્મી.. ભૂખ..’ પેલી બાળકી એને ઢંઢોળવા લાગી.
મેં મારા થેલામાંથી એક બિસ્કીટનું પેકેટ કાઢ્યું અને તેના તરફ લંબાવતા બોલી જવાયું, ‘માહી.. લે.’
તેણે બિસ્કીટનું પેકેટ લીધું અને કહે, ‘થૅન્ક્યૂ અંકલ, બટ મારું નામ ખુશી છે.’
હું છોભીલો પડ્યો. માહી નામ સાંભળીને બારી બહાર ખોવાયેલી શિવાનીની ઉંઘરેટી આંખો જરા ખૂલી.. ખુશી તરફ જોતા વધુ પહોળી થઈ.. પણ પછી કશાય ઉત્પાત વગર જ ફરી ખોવાઈ ગઈ. એ પહોળી થયેલી આંખમાંથી ખુશી કંઈક સમજી ગઈ હોય એમ બિસ્કીટનું પેકેટ મને પાછું આપતા ખુશી કહે, ‘સૉરી અંકલ, બટ ટ્રેનમાં અજાણ્યા લોકો પાસેથી ખાવાનું લેવાય નહિ.’
‘સાચી વાત છે બેટા તારી, હું તો કેટલો બધો અજાણ્યો બની ગયો છું ને !’ પહેલું વાક્ય બોલાયા પછી હોઠે આવેલા બીજા વાક્ય પર મેં કાબુ મેળવી લીધો. પણ વાત ખોટી પણ ક્યાં હતી ? આજે તો હું ખુદ પણ મને સાવ અજાણ્યો લાગી રહ્યો હતો.
ફરી શાંતિ છવાઈ ગઈ. એક સ્ટેશન પરથી શીંગ-રેવડી વાળો ચડ્યો, એટલે એના અવાજો ડબામાં અથડાતા રહ્યાં.
ઍન્જિનની દિશામાં મારી પીઠ હતી, એટલે મારી બારીમાંથી દેખાતા દૃશ્યો પીઠ પાછળથી આવી ને દૂર સુધી મારો સાથ ન છોડતા હોય એવું લાગે. એ મારી સામેની બેઠક પર હતી, એટલે બારીમાં આવનારા દૃશ્યોની એને અગાઉથી જ ખબર પડી જાય અને પસાર થતા દૃશ્યો એની પીઠ પાછળ ઝડપથી વિસ્મૃતિની ઝાડીમાં ગાયબ થઈ જાય. પરિણામે એક જ દિશામાં જતી એક જ ટ્રેઇનમાં સાથે જ સફર કરતા હોવા છતા, સામસામે બેઠા હોવાને કારણે અમારા બન્નેની બારીના દૃશ્યો જાણે અલગ દિશામાંથી આવતા હોય અને અલગ દિશામાં જતા હોય એવું લાગે. એક રીતે એવુ સમજાય કે પસાર થઈ ગયેલા દૃશ્યો હું એની બારીમાંથી ક્યાંય સુધી જોઈ શકું, પણ વર્તમાનના દૃશ્યોને ભૂતકાળ બનાવી દેવાની એની બારીને જાણે બહુ ઉતાવળ હોય !
અચાનક ડબ્બામાં આવી ચડેલા એક સેલ્સમૅને વિચારમાળાને તોડી, ‘ફ્રી સેમ્પલ, ફ્રી સેમ્પલ, મેળવો એકદમ ફ્રી સેમ્પલ. ચામડીના દરેક જાતના ડાઘ ચકામા દૂર કરે માત્ર ૧૦ રૂપિયામાં. અજમાવી જૂઓ ને ખાતરી કરો. માત્ર ૭ દિવસ વાપરો અને પરિણામ જૂઓ. જૂઓ, આ રહ્યા અમારી દવાના પૂરાવા. આ પત્રિકાના ફોટામાં અમારી દવાથી સાજા થયેલા દર્દીઓના પહેલાના અને સારવાર પછીના ફોટા.. બરાબર જૂઓ. મેળવો ફ્રી સેમ્પલ ફ્રી સેમ્પલ..’
ઉડતી ઉડતી એ પત્રિકાઓ ફ્રી સેમ્પલ સાથે અમારી પાસે પણ આવી. ‘પહેલા’ ટાઈટલમાં દર્દીઓના ચકામા-ડાઘવાળા ફોટા હતા અને એની સામે ‘પછી’ ટાઈટલમાં નોર્મલ સ્કીન બતાવતા રંગીન ફોટા હતા.
એક પત્રિકા શિવાની પણ જોઈ રહી હતી.
‘પહેલા અને પછીમાં આટલો તફાવત ? હોય શકે ખરો ?’ તેણે મને સીધું જ પૂછ્યું.
જવાબ માટે હું સહેજ પણ તૈયાર નહોતો પણ કહેવાઈ ગયું, ‘એ તો રોગ કેટલો આગળ વધી ઊંડો ઊતરી ગયો છે એના પર આધાર હોય, બાકી તો… મને બહુ ખબર નથી પડતી આ બધી વાતોમાં.’
‘પણ આ તો ચામડીનો રોગ.. ઉપર ઉપર જ હોય, અંદર એની અસર ઉતરી હોય શકે નહિ.’ એના પતિએ પણ એની વાતમાં સૂર પૂરાવ્યો. શિવાની એ પણ હા ભણી.
સંમત થવું જ મને યોગ્ય લાગ્યું, માટે હું ચૂપ રહ્યો. ચૂપ રહેવું એટલે સંમત થવું. પહેલા પણ હમેશા ચૂપ જ રહ્યો છું ને. એણે સામેથી પ્રપોઝ કરેલું ત્યારે, બીજા કોઈ નો હાથ પકડીને લગ્ન નહિ કરવાનું એણે પ્રોમિસ આપેલું ત્યારે, ‘ખુશી’નું નામ ‘માહી’ પાડેલું ત્યારે અને જ્યારે કશાય ખુલાસા વગર એ ચાલી ગઈ ત્યારે પણ.. હું તો બસ ચૂપ જ રહ્યો છું !
થોડીવાર ટ્રેનમાં સન્નાટો છવાયેલો રહ્યો. શીંગ-રેવડી વેચવાવાળો પણ ટોપલો એક તરફ મૂકીને દરવાજે પગ લબડતા રાખીને બેસી ગયો. શિવાનીનો પતિ લગભગ ઉંઘી ગયો હતો. શિવાની જાગતી હતી, પણ પોતાની અંદરની દુનિયામાં જ. બહારની દુનિયા સાથે એને કશોય સંબંધ હોય જ નહિ એટલી બેફિકર !
‘અંકલ, તમારે માહી નામની ડોટર છે ?’ ખુશીનો સણસણતો સવાલ આવ્યો. ટ્રેનનો સન્નાટો સહેજ ઘવાયો. જવાબ માટે હું તૈયાર ન હોઉં ને મને સવાલ પૂછી ચમકાવી દેવાની ટેવ તેને મમ્મી પાસેથી જ મળી હશે.
‘હે.. ? ન્…ન…., હા… હા.’ હું થોથવાયો. શિવાનીની બે આંખો ફરી પહોળી થઈ એટલે માહી… ઓહ, સૉરી.. ખુશી ચૂપ થઈ ગઈ. મારી જેમ.
મને થયું કે કદાચ ‘માહી’ નામ કાને અથડાવાને કારણે શિવાનીના ચિત્તમાં કશોક ઝબકાર થયો હશે ? પણ એના ચહેરા પર તો નરી લાપરવાહી જ નીતરે છે બસ ! સંયોગો પણ કેવા અજીબોગરીબ બની જતા હોય છે ! જે લાપરવાહી પર આપણે હમેશા આફરીન હોઈએ, એ જ લાપરવાહી ક્યારેક આપણને મૂળમાંથી આમ હચમચાવી દે છે ! એક જમાનામાં વહાલી લાગતી એ જ બેફિકરાઈ આજે મને અંદરથી અકળાવી મૂકે છે.
લાગણીઓ આટલી તકલાદી હોય શકે ? હૈયે ઘૂટાયેલું કોઈ નામ તમે આમ જ ભૂલી શકો ? વેરવિખેર સન્નાટામાં ઘૂમી રહેલું એક અણિયાળું નામ એને યાદ નહિ હોય શું ? કાયમ અગત્યનું રહ્યું હોય એવું કોઈ એક નૉટીફિકેશન તમારા મોબાઈલ સ્ક્રીન પર હમેશા ‘અનરીડ’ કેવી રીતે રહી શકે ?
ચાલુ ટ્રેને અચાનક ઝબકી હોય એમ શિવાની જાગી અને ચારે બાજુ જોવા લાગી, ‘પેલો સેલ્સમૅન ક્યાં ગયો ?’
એના અચાનક આ સવાલથી હું રાબેતા મુજબ ભડક્યો.
‘કેમ ? ક્યો સેલ્સમૅન ? શું કામ હતું ?’ તેનો પતિ પણ હડબડાહટમાં જાગી ગયો.
‘અરે સફેદ ડાઘની દવાવાળો, મારે કામ હતું જલ્દી શોધો એને પ્લીઝ.’ શિવાની ઊભી થઈ ડબામાં આમતેમ તપાસ કરવા લાગી. એનો પતિ બીજા ડબામાં શોધખોળ કરવા દોડ્યો.
‘પણ એનું શું કામ પડ્યું ?’ મેં પૂછ્યું.
‘દવા લેવી છે મારે, મારા એક અંકલ માટે, પ્લીઝ જરા એને બોલાવી આપો ને.’ શિવાની બોલી.
એટલામાં એનો પતિ આવ્યો, ‘ક્યાંય નથી, કોઈ સ્ટેશને ઊતરી ગયો હોવો જોઈએ. હું બધે તપાસ કરી આવ્યો.’
શિવાની અકળાઈ ને જરા ગુસ્સે પણ થઈ, ‘આટલી વારમાં શું જોઈ આવ્યા તમે ? બધા ડબામાં તપાસ કરો, કોઈ બર્થ પર સૂતો હોય તો પણ જોજો, ટોઈલેટમાં પણ હોય, ઍન્જિનથી ગાર્ડના ડબા સુધી બરાબર જૂઓ, અંકલ માટે એ દવા બહુ જરૂરી છે.’
‘પણ.. હવે એને કેવી રીતે.. ?’ એનો પતિ કંઈક બોલવા જતો હતો.
‘બીજી વાતોમાં સમય પછી બગાડજો, આખીયે ટ્રેન ફંફોસો, બધા ટોયલેટ અને બર્થ પણ ચકાસો, જરૂર પડે તો સાંકળ ખેંચો, જે કરવું હોય તે કરો પણ પહેલા સેલ્સમૅનને શોધી લાવો. માણસ ધારે તો કોઈ પણ વ્યક્તિને દૂનિયાના કોઈ પણ ખૂણેથી શોધી લાવે.’ શિવાની એકધારું બોલી ગઈ.
મને તેનું છેલ્લું વાક્ય ગમી ગયું, એટલે મારા હોઠે એનું એ જ વાક્ય ફરી આવી ગયું, ‘એક્ઝેટલી, તમે એકદમ સાચું કહ્યું, માણસ ધારે તો દૂનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના માણસને શોધી જ શકે… ધારે તો !’
-પછી જરા અટકીને શિવાનીની આંખમાં આંખ મિલાવીને મેં ઉમેર્યું, ‘બાય ધ વે, મારું ઉતરવાનું સ્ટેશન આવી ગયું છે, હડબડાહટમાંથી શાંત પડો ત્યારે પેલી પત્રિકા ખોલીને ધ્યાનથી જોઈ લેજો, એમા પેલા સેલ્સમૅનનો ફોન નંબર આપેલો જ છે, ને એણે પણ મારી જેમ કોઈના કૉલ આવવાની રાહમાં પોતાનો નંબર નહિ જ બદલાવ્યો હોય !’

-અજય ઓઝા (મો- ૦ ૯૮ ૨૫ ૨૫ ૨૮ ૧૧)
૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ,
ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)

Advertisements
 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી-૧૩


‘હેલો ! આ સર્જકસંવાદની શ્રેણી બહુ સરસ ચાલી રહી છે..હું નિયમિત વાંચું છુ, હોં !’ –હમણાં જ એક વાચકનો ફોન આવ્યો ને તેણે આ બધું વાંચી ને આ રીતે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ઘણી વાર આમ પ્રતિભાવ મળી જતા હોય છે ને મને એ ગમે પણ ખરા, એટલે આમ તો મને ખુશી થવી જોઈએ… પણ..
તને શું લાગે છે ? રહી રહી ને મારા મનમાં કેટલાક યક્ષપ્રશ્નો ઊઠી રહ્યા છે, આ બધું લખાણ કેવળ એક ‘શ્રેણી’ જ બની રહેશે શું ? આ શબ્દોને તારા સુધી પહોંચવામાં કેટલાય યુગો વીતી જશે ? અને તોયે પહોંચશે કે કેમ ? ઈન્ટરનેટ પર અનંત સમય સુધી રહેવા તૈયાર એવા યુનિકોડેડ આ અક્ષરોનું એક પણ સંવેદન જો તારા સુધી પહોંચવાનું જ ન હોય તો ? આ અમરત્વનો શો ફાયદો ? આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય શકે ? મને બીક લાગે છે કે આ કહેવાતી ‘શ્રેણી’ નો પરિશ્રમ ક્યાંક બોજ તો નહિ બની જાય ને ? ઊગતી આ શ્રેણીનું બાળમરણ થાય એ પહેલા તારી આંખોના અમરફળથી એને જીવતદાન આપવું એ હવે તારું જ કામ છે ! તને શું લાગે છે ?
બાકી તો જ્યાં સુધી સંવેદન તારા સુધી પહોંચશે નહિ, ત્યાં સુધી… ‘આ શ્રેણી બહુ સરસ ચાલે છે … નહિ ?’
હં… તારું શું કહેવું છે ?

 

Tags:

Image

લવસ્ટોરી (નવલિકા)


LOVESTORY

 
 

Tags: ,

Image

બૂમરેન્ગ (વાર્તા)


boomreng

 
1 Comment

Posted by on November 1, 2014 in ગુજરાતી, વાર્તા

 

Tags: ,

ફોકસ વાર્તા-અજય ઓઝા


બૅન્ડવાળા આખાયે વાતાવરણને ગજાવી રહ્યાં છે. વરરાજા હજુ પણ તૈયાર નહોતા થયા. ક્યારનાયે થનગની રહેલા જાનૈયાઓ પણ થઈ રહેલા વિલંબને તેઓના ચહેરા પરથી હટાવી નહોતા શકતા. વરરાજાનો એક ભાઈબંધ તો મનીષના કાન પાસે આવી ને કહેતો ગયો, ‘તારી બૅટરી ફૂલ છે ને ? અમે તો નાચતા આજે થાકવાnaaના નથી, બરાબર શૂટીંગ ઊતારજે. નહિ તો બીલમાં કાતર મૂકાઈ જશે.’
મનીષ હસે છે. આ બધા સંવાદો એના માટે નવા તો ન જ હોઇ શકે ! એ પોતાના વિડિયો કેમૅરાના લેન્સને જૂદી જૂદી દિશામાં ફોકસ કરીને નજીવી અને નાની-નાની ક્લિપીંગ્સ વડે મેમરીકાર્ડ ભરી રહ્યો છે. આમ તો મનીષના કાકા જ આખાયે મેરેજનું કવરેજ કરવાના હતા. ગઈ કાલે માંડવા મૂહુર્ત સુધીની વિધિમાં પણ એ જ તો હતા, પણ આજે એમને અચાનક કંઈક કામ આવી જતા, એમણે મનીષને પરાણે ધકેલી દીધો. નહિતર આઉટડોરના કામ મનીષ ટાળતો જ રહે. કાકાની સૂચના પ્રમાણે એક એક્સ્ટ્રા બૅટરી પણ સાથે જ હતી. જો કે ઘેર જ જમીને જવાની કાકાની સૂચના એ ભૂલી ગયો હતો. કાકાનો અનુભવ હતો કે લગ્નપ્રસંગે સૌ કેમેરામેનને જમવાનું કહેવાને બદલે બધાના ફોટા પાડ્યે રાખવાનું જ કહેતા હોય છે !
આ તરફ બૅન્ડવાળા પોતાના મહાવરામાં મ્હાલ્યે જાય છે અનેs જાનૈયાઓ વરઘોડામાં મ્હાલવા તત્પર અને તૈયાર છે. શરણાઈવાળો ફેફસાંની હવાને વેડફવા મચી રહ્યો છે, એ જોઇ મનીષ એ તરફ ફોકસ કરે છે. ગલોફા ફુલાવી ફેફસાની બધી જ હવા એ શરણાઈમા ધકેલી દે છે, અને આંગળીઓની મદદથી એ શરણાઈમાં ગૂંગળાતી ફૂંગરાતી હવાને ગીતોમાં ફેરવી દે છે. પેટનો ખાડો પૂરવા પેટની હવાને આ રીતે વેચવાના એના આ કસબને કંડારવામા મનીષને કંઈક અનોખો આનંદ આવે છે.
‘વરરાજા આવી ગયા.’ –કોઈ બોલે છે, સંગીતની ધૂન સહેજ બદલાય ને ઊંચી જાય છે. મનીષની પાસેથી દારૂખાનાનું એક રોકેટ આકાશમાં જઈ પહોચે છે. કોઈ આવીને ફરી મનીષને ખભેથી હલાવે છે, ‘એ ભાઈ, વરરાજા આ બાજુ છે, એ તો બૅન્ડવાળો છે. તારો કેમેરો આમ ફેરવ તો સારું.’
મનીષના કેમેરાનું ફોકસ ફંટાય છે. સજીધજીને વરરાજા બગીમાં ગોઠવાયા. તેના હાથમાં સજાવેલા ગજરા પર અંગ્રેજી અક્ષરોમાં ‘એસ’ અને ‘એમ’ લખાયેલું છે. બગી બહુ શણગારયેલી હતી. બગી ઉપર પણ baબંને તરફ એ જ રીતે થર્મોકોલમાંથી બનાવેલા અને રંગીન ભડકીલા કાગળ વડે chચમકાવેલા એ જ બંને અંગ્રેજી અક્ષરો લગાવી દેવામાં આવેલા છે. એ બધું કેમેરામાં લેતાં મનીષ વિચારવા લાગ્યો, ‘આ ‘એસ’ એટલે તો વરરાજાનું નામ, …સમજ્યા કે સંજય. પણ આ ‘એમ’ પરથી કન્યાનું શું નામ હશે ? માધવી ? મિનાક્ષી ? મનીષા ? કે પછી… માહી ? કંકોત્રી જોઈ હોત તો કદાચ ખબર પડત..’
બગીમાં વરરાજાની સાથે કોને કોને બેસવું એ નક્કી થતાં વળી બીજી દસ-પંદર મિનિટો પસાર થઈ રહી. એ દરમિયાન મનીષના કેમેરાનું ઓટોફોકસ આમતેમ ફંગોળાતું રહે છે.
મનીષે જોયું કે બગીવાળો જરા ગમગીન જણાતો હતો, શી ખબર એને પણ પોતાની કોઈ વેદના સતાવતી હશે. આખાયે માહોલ થી એ એકદમ અલિપ્ત દેખાઈ આવતો હતો. વરરાજાને ફોકસ કરતો કરતો મનીષ બગીવાળાને પણ ફ્રેમમાં રાખવા લાગ્યો. થયું કે એ બાપડો પણ માણસ છે, ને એને આ લગન-ફગનમાં કયો હરખ હોવાનો ! બની શકે કે ઘેર એનું માંદું બાળક એના આવવાની રાહ જોતું હોય ! અહિ આવવાની ઈચ્છા જ ન હોય પણ માલિકે પરાણે જોતર્યો હોય –બગી સાથે જોતરાયેલા આ ઘોડાની જેમ જ ! ને પેટ તો એને પણ આવી આવી વેઠ કરાવતું જ રહેતું હશે ને ?
આખરે ગોર મહારાજના હાંકલે, બૅન્ડના તાલે, પર્ફ્યુમ્સની ભરી ભરી સોડમે, અણવરની ઉતાવળે, સાફા ને ગજરાઓની પાછળ પાછળ, ભારે કિકિયારીઓ વચ્ચે વરઘોડો આગળ વધવાનો પ્રારંભ કરે છે !
એવામાં એક બાળક ફુગ્ગા માટે પોતાની મમ્મીને સામે ઊભેલા એક ફુગ્ગાવાળા પાસે ખેંચી જાય છે. બાળકની સાથે કે ફુગ્ગાવાળા સાથે રકઝક્માં સમય બગાડવો પાલવે તેમ ન હોવાથી બાળકને ઝડપથી ફુગ્ગો મળી જાય છે. ફુગ્ગો મળતાં જ બાળકના ચહેરા પર જે ખુશીના ભાવ લહેરાય છે એને કેમેરામાં ઊતારતા મનીષને કોણ રોકી શકે ?
વરની માને ગીત ગાવાનો હરખ, તે એ તો મોટે અવાજે વરરાજાના ગીત ચાલુ કરી દે છે. પણ બધી જાનડીયુંને પોતપોતાનો મૅક-અપ વિખાય જાય એ પહેલા નાચવાની ઉતાવળ હતી એટલે એ સૌએ માને સમજાવીને લગનગીતો બંધ કરાવ્યા ને બૅન્ડવાળાને ફરમાઈશો ચાલુ કરી દીધી.
એક પછી એક નવી નવી ધૂન બૅન્ડ પર વાગતી રહે છે, રૂપિયાની નોટો ઉડતી રહે છે. જાનૈયાઓની ફરમાઈશ પ્રમાણે ધૂનો બદલાતી જાય છે. મૈં હૂઁ ડોન, છમ્મકછલ્લો, અને ઢીંકાચીકા… ને વળી સનેડાના તાલે આખોય માહોલ ઝુમી રહે છે. ઘડી ઘડી તો મનીષના પગ પણ થિરકવા માંડે છે પણ એવે વખતે ફોકસ ખસી જતું હોવાથી વળી એ જાત પર કાબુ પણ મેળવી લે છે.
કાકાએ કહેલું, ‘ફોકસ ડાયવર્ટ થઈ જાય ને પછી ફરી બધું સેટ કરવું અઘરું પડતું હોય છે. આખીયે ઈવેન્ટનું હાર્દ મિસ થઈ જાય. એકવાર ફોકસ ખસી જાય ને પછી જ બધી મુશ્કેલીઓ શરૂ થતી હોય છે !’ વળી મનીષને મૂછમાં હસતો જોઈને ઉમેરે કે, ‘મને ખબર છે ભાઈ, તારા કેમેરામાં ઓટોફોકસ છે, પણ કેવા સમયે કેવા દૃશ્યો ઝીલવા એની ખાસ પ્રકારની આંતરસૂઝને પણ ફોકસ જ કહેવાય, સમજ્યો ?’
મનીષને થાય છે ‘આ ‘ફોકસ’ પણ ભારે લપસણી જાત.. હેં !’
પોતે તો થિરકતા પગ પર કાબુ મેળવી લે છે, પણ વરઘોડો જોવા સામેની ગેલેરીમા આવી ઊભેલી એક ગૃહિણિ એમ કરી શકતી નથી, ને એ તો ગેલેરીમાં નાચી ઊઠે છે ! જરા-તરા કેમેરો એ તરફ મંડાય ન મંડાય ત્યાં તો અણવર આવીને કહે, ‘આ વચ્ચે જે વરરાજાની બેન નાચે છે ને, હા, એનું શૂટિંગ બરાબર લેતો રહેજે, પૂરેપૂરું હો.’
અણવરની સૂચનાનું પાલન કરતો મનીષ વરરાજાની બહેનને, એટલે કે અણવરની પત્નીને ફોકસ કરે છે. જો કે એમ કરવામાં એને બીજા કેટલાક યુવક-યુવતીઓ આડે આવી રહ્યાં હોય છે. એ બધાં પોતાની મસ્તીમાં ઝુમી રહ્યાં છે. જુવાનિયાઓ પોતાની ‘એન્ટ્રી’ પાડવાની તક ઝડપી રહ્યાં છે, અને આજકાલની યુવતીઓને તો આવા ‘વેજીટેરિયન ફ્લર્ટિંગ’ તરફ બહુ સૂગ ક્યાં હોય છે ?
ટાઈટ જીન્સ ને ટી-શર્ટ પહેરી બરાબર વચોવચ નાચતી એક યુવતીને જોઈ ને મનીષને મમતા યાદ આવી જાય છે, પણ કાકાની વધુ એક કરડાકી ભરેલી સૂચના યાદ આવી જતા વળી એનું ફોકસ સ્થિર કરવા મથતો રહે છે.
જાન મુખ્ય ચોકમાં પ્રવેશે છે. ઉત્સાહી જાનૈયાઓ ઘડીભર સૌને થોભાવીને ચોકમાં જ કુંડાળુ કરીને ડિસ્કો-ડાંડિયા આરંભી દે છે. જરા ટ્રાફિક જામ થતો જાય છે. પસાર થતા વાહનચાલકો મોઢું બગાડતા નીકળી જાય છે. રીક્ષા અને સ્કૂટરોના અવાજો બૅન્ડવાજા પર વાગતા ગીતો સાથે દબાઈ જાય છે. ભરચક રસ્તા પર આમ પણ કેબલ માટેનુ ખોદકામ કેટલાક મજૂર પરિવારો કરી રહ્યાં છે. ક્યાંકથી રખડતા ઢોર પણ આવી ચઢે છે, જો કે જાનમાં ભળી જવાની એમની કોશિશ અણવરની સમયસૂચકતાને કારણે નિષ્ફળ જાય છે. વચમા આવી ચઢેલા વ્યંઢળોની ટોળી સાથેનો વહેવાર વરના મામા અને બીજા ભાઈબંધો સંભાળી લે છે. મનીષના કેમેરામાં બધાં જ દૃશ્યો સંઘરાતા જાય છે.
કેળવાયેલા બૅન્ડવાળા આવે વખતે કેવી ફરમાઈશી અને લોકપ્રિય ધૂનો વગાડાય એના પૂરેપૂરા જાણકાર હતાં. શરણાઈવાળો પણ ફેફસાની હવાના રોકડા કરવા મચી પડે છે. ઢીંકાચીકા… દબંગ અને સનેડાના ગીતો છવાતા રહે છે, અને જાનૈયાઓ ઝુમતા રહે છે.
મનીષ ફરી વરરાજાની બહેનને કવર કરે છે. હવે તો વરરાજાને પણ બે ઘડી નાચવા વચ્ચે લાવવામા આવે છે. જમાવટ જોઈ ને હરખમાં ઘેલો થયેલો અણવર રુપિયાની નોટો ઉડાડવા લાગે છે.
ઊડી રહેલી નોટો પર મજૂર પરિવારની એક નાનકડી બાળકી એકીટશે તાકી રહે છે. એના મનની અમાપ વિમાસણોને નોંધવામાં મનીષને રસ પડ્યો. બૅન્ડવાળાનો એક માણસ રૂપિયા વીણી રહ્યો હતો. પેલી બાળકીના દિમાગમાં પોતાના પરિવારનું દારિદ્ર મિટાવવાનો એક ક્રાંતિકારી વિચાર કોઈ એક બળુકી પળે પ્રવેશીને કબ્જો જમાવી દે છે, ને એ દોડે છે દસ રૂપિયાની એક ઉડી રહેલી નોટ પકડવા માટે ! બરાબર એ જ વખતે બિલકુલ પાસે જ ફૂટેલા સૂતળીબોમ્બના ધમાકાથી બગી સાથે પરાણે જોતરાયેલો ઘોડો જરા ભડકે છે ને બાળકીને અડફેટે ચડાવે છે. બાળકી ઉછળીને પેલી તરફના ખાડામાં ફંગોળાઈ જાય છે. સદભાગ્યે ત્યાં કામ કરી રહેલી એની મા એને ઝાલીને ઉગારી શકે છે. ‘કંઈ નથી થયું, ચાલુ રાખો’ કહેતાં ફરી એકવાર સમયસૂચકતા વાપરતા અણવરે વરરાજાને ફરી બગીમાં બેસાડી વરઘોડાને ચોકમાંથી પરત માંડવા તરફ પ્રયાણ કરાવ્યું.
આમ પણ, નાચવામાં મશગુલ જાનૈયાઓને શું થયું એ જાણવાની કંઈ પડી પણ નહોતી. વરઘોડો હવે લગ્નની વાડી નજીક આવી પહોંચે છે. સમૂળગું જોર કરતાં બૅન્ડવાળાઓ પોતાનો જીવ રેડી રહ્યાં છે. પરસેવે નીતરતા જુવાનિયાઓ નવા નવા સ્ટેપ અજમાવી રહ્યાં છે.
રસ્તા પર ચોકથી શરુ કરી વાડીના દરવાજા સુધી ફટાકડાનો એક લાંબો હારડો પથરાય છે. મનીષે દરવાજા પાસેના એક ઊંચા ઓટલા પર એવી પોઝીશન લઈ લીધી કે જ્યાંથી એ ફટાકડાની લાંબીલચ સેર, બૅન્ડના તાલે નાચી રહેલા જાનૈયાઓ, વરરાજા અને હમણાં પોંખવા આવનાર વેવાણ પર પણ પોતાનો કેમેરો બરાબર ફોકસ કરી શકે અને ત્યારબાદ એ જ જગ્યાએ હાર પહેરાવવા આવનારી કન્યાનું પણ શુટીંગ બરાબર થઈ શકે.
કોઈ ભાઈબંધે જામગરી ચાંપી… ને તડાતડાટી ગાજી ઊઠે છે..
તડા..તડ તડા..તડ તડા..તડ તડા..તડ તડા..તડ …
ફટાકડાની ગુંજી ઊઠેલી ફડફડાટી વચ્ચે માહોલ વધુ ને વધુ જામતો જાય છે. ચોતરફ ધુમ્રસેરો ફેલાતી જાય છે. હર્ષની કિકિયારીઓ ફેલાય છે. નથી નાચનારા થાકતા કે નથી વગાડનારા થાકતા. ઉત્સાહથી છલકાતા આખાયે વાતાવરણમાં સૌ કોઈના ચહેરા પર આનંદ લીંપાયેલો દેખાય છે.
એવામાં વેવાણ પોંખવા આવી પહોંચે છે. થોડી પરચુરણ વિધિ ઝડપથી પતાવી અણવરને ગફલતમાં નાખીને સાસુમા ખૂબીપૂર્વક જમાઈનું નાક પકડી પાડે છે. એ વખતે, અત્યાર સુધી ભારમાં રહેલા અણવરના છોભીલા ચહેરા પર, પોતાની સમયસૂચકતા કામે ન લાગ્યાનો અફ્સોસ લીંપાય છે. વળી એ બધું પણ મનીષના કેમેરામાં આવી જાય છે !
તડા..તડ તડા..તડ ફટ્ટ.. …ઢીંકાચીકા ઢીંકાચીકા ઢીંકાચીકા ઢીંકાચીકા હે.. હે.. હે.. હે..
ફટાકડાનો અવાજ અને બેન્ડનું સંગીત વાતાવરણ પર ભારે કબ્જો જમાવે છે.
કેટલીક સખીઓ સામસામા બે હાથના આકડા બીડીને દરવાજા જેવું બનાવી એમાંથી કન્યાનો પ્રવેશ કરાવે છે. ઉતાવળી ચાલે ચાલતા વરરાજા પણ એ જ રીતે દરવાજા પાસે આવી પહોંચે છે.
પાછળ રહી ગયેલો અણવર મનીષ પાસે આવી કાનમાં કહી જાય છે, ‘પેલું નાક ખેંચવાનું બધું કાપી નાખજે હો ભાઈ, લગનની ડીવીડીમાં એવું કંઈ આવવું ન જોઈએ, સમજાયું ને ?’
તડા..તડ તડા..તડ ફટ્ટ.. …ઢીંકાચીકા ઢીંકાચીકા ઢીંકાચીકા ઢીંકાચીકા હે.. હે.. હે.. હે..
હકારમાં માથું ઘુમાવતા મનીષે વિચાર્યું, ‘એડિટીંગ વખતે જ સાચું કામ થશે. અત્યાર સુધી જીન્સ-ટી-શર્ટ પહેરીને નાચી રહેલી પેલી ‘મમતાડી’ જેવી દેખાતી છોકરીનેય બરાબર ઝુમ કરી કરીને જોવી તો પડશે ને…!’
તડા..તડ તડા..તડ ફટ્ટ.. …ઢીંકાચીકા ઢીંકાચીકા ઢીંકાચીકા ઢીંકાચીકા હે.. હે.. હે.. હે..
ધુમ્રસેરો આ તરફ પણ આવી રહી હતી. ફોકસ વધુ ને વધુ ઝુમ થવા ઝઝુમે છે !
વરરાજા કન્યાને હાર પહેરાવે છે. કન્યા પણ વરરાજાને હાર પહેરાવે છે.
ફોકસ વધુ ને વધુ… વધુ ને વધુ… ધુમ્રસેરોની વચ્ચેથી સોંસરવું પસાર થવા મથીને… કન્યાના ગુલાબી ચહેરા પર ઝુમ થઈ સ્થિર થવા મથતું જાય છે !
તડા..તડ તડા..તડ ફટ્ટ.. …સનેડો સનેડો.. લાલ લાલ સનેડો….
બરાબર એ વખતે ફટાકડાની સેર ખતમ થવામાં છે.
કન્યાના ચહેરા આજુબાજુની ધુમ્રસેરો ધીમે ધીમે હટતી જાય છે.
તડા..તડ ફટ્ટ.. …સનેડો સનેડો.. લાલ લાલ સનેડો…
હવે, કન્યાના ખુલ્લા અને સુંદર ચહેરા પર ફૂલ્લી ફોકસ્ડ કેમેરા સાથે હતપ્રભ જણાતો મનીષ સ્થિર ઊભો રહી જાય છે, એ વખતે ફટાકડાની સેરમાંથી ઉડીને છુટો પડેલો કોઈ બોમ્બ મનીષના પગ પાસે આવી પહોંચ્યો હોય છે, કોણ જાણે કોણે એની જામગરી ફરી ચાંપી હશે તે રહી રહી ને પણ એ જોરથી ફૂટે છે, પણ બૅન્ડના અવાજોની વચ્ચે એ ધમાકો કોઈનેય સંભળાતો નથી !

-અજય ઓઝા

 

Tags: ,

ગુજરાતી લેક્સિકોન (ઉપયોગી લિંક)


ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.(http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક પર જવાથી, વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે.

આભાર

-સૌજન્ય ‘ગુજરાતી લેક્સિકોન’

 
2 Comments

Posted by on May 22, 2013 in વાર્તા

 

New story book ‘ક્રિમેટોરિયમ’ નવો વાર્તાસંગ્રહ


વાર્તાસંગ્રહ

ક્રિમેટોરિયમ

 
1 Comment

Posted by on January 31, 2013 in ગુજરાતી, વાર્તા

 
 
%d bloggers like this: