RSS

સર્જકસંવાદ શ્રેણી-૫


તું આવે છે ને આ ગુરુવારે ?
તે કહેલું કે બે-ચાર દિવસનો જ સવાલ છે ! આ ગુરુવારે તો હું આવું છું ! માવઠાના વાદળોની જેમ આ દિવસો તો પસાર થઈ જશે. ગણતરીની ક્ષણોમાં જ મારા વિનાની આ રાતો સપનાઓને ચીરતી ક્યાંય નીકળી જશે. આંખના પલકારામાં તો હું પાછી આવી પહોચીશ તારા વાસ્તવની ભૂમિ પર ! રે બુદ્ધુ.. થોડી પળોનો વિરહ એ કઈ વિરહ કહેવાતો હશે ? જરા આ ક્ષણજીવી વિલંબની મજા માણ ત્યાં, હું તો આ ગઈ ને આ આવી !
..તો તું આવે છે ને ? હું રાહ જોઉં છું તારી. માવઠું પત્યા પછી રહી રહી ને આવેલા ચોમાસાના વાદળો પણ થાકીને નીતરી ગયા. ક્ષણોની ગણતરી તો હવે શી વિસાતમાં ! રાતોની રાતો સપના વગરની બંજર ભૂમિની જેમ સૂકાતી ચાલી. અપલક તારો રસ્તો નિહાળતો આ બુદ્ધુ હજીયે આપણા કાયમના મળવાના ચોક્કસ ત્રિભેટે મીટ માંડી ઊભો છે !
અસંખ્ય ગુરુવારો પસાર થતા રહે છે. એક પ્રશ્નનો ઉત્તર મને મળતો નથી; ક્ષણજીવી વિલંબ આટલો પ્રલંબ કેમ ? પણ એમ હું હારી જાઉં એવો તો નથી જ. મને ખબર છે, તું મને હારતો જોવા પણ ન જ ઈચ્છે ને !
..તો તું આવે છે ને આ ગુરુવારે ? કારણ કે, વર્ષો પહેલા તું જ્યારે ગઈ ત્યારે જતા જતા તે એટલું કહેલું કે, આ ગુરુવારે તો હું આવું છું !

Advertisements
 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી-૪


તું જાણે છે કે તું હોવા છતાં મારી પાસે નથી એનું દુઃખ કેવું હોય ?
તું સમજે છે કે વરસ્યા વગર છેહ દઈને છટકી જતા વાદળ નીચે તરડાયેલા સૂકાભઠ્ઠ સરોવરની પીડા શું હોય ?
બોલ, તું ઓળખે છે કોઈ તરસ્યા સાગરને ? તું અનુભવે છે ક્યારેય ચાંદનીના ધોમધખતા પ્રખર તાપ ને ? તું જુએ છે આખુંય જગત ક્યારેય કોઈ સુરદાસની નજરે? તું રડે છે ક્યારેય બીજાના સુખ માટે ? તને થયું છે ક્યારેય કશુંક લાગણીનાં તાવ જેવું ? તું સમજે છે એક અણસમજુ અધકચરા અને અધીરા પુરુષની ભરપૂર અધીરાઈને ? તે જોયો છે સૂરજના શીતળ પડછાયાને ? તે માપી છે કદી દરિયાથીયે ઊંડા હૈયાંની અસીમતાને ?
આ બળુકા વાસ્તવની મીઠી છતાંયે છેતરનારી ઊંઘમાંથી તું ક્યારે જાગીશ ? પાંખો ફેલાવીને ઉડતા ઉડતા દૂર ગગનમાં ઊંચે ઊંચે જવાને બદલે આ તરફ કિનારે તારો જ માળો સાચવીને અડીખમ ઊભેલા સૂકાયેલા એક ઝાડ તરફ તું ક્યારે જોઈ શકીશ ?
છોડ એ બધું, માત્ર એટલું જ કહે કે તું વિચારે છે કદી કે જગતના કોઈ અંધારા ખૂણે બુઝતી આંખે કોઈ તારી પણ રાહ જોતું ઝુરતું બેઠું હશે ? વિચારે છે ??

 

Tags:

સર્જકસંવાદ શ્રેણી-૩


તને…
હા, તને કશો ફેર પડવાનો નથી. પણ મને તો ફેર પડે જ ને ? તારું હોવું અને તારું ન હોવું – બંને વચ્ચે મને જે ફરક પડે એ તું ન સમજી શકે એવું તો નથી જ.
તું હો તો દુનિયા છે, તું હો તો જીવન છે, તું હો તો ઉજાસ છે, તું હો તો સરગમ છે, તું હો તો ઈશ્વર છે, તું હો તો પ્રેમ છે, તું હો તો હું છું. પણ જો.. તું ન હો તો કશું જ નથી, તું ન હો તો જગત નથી, તું ન હો તો દૃષ્ટિ નથી, તું ન હો તો સંગીત નથી, તું ન હો તો કુદરત નથી, તું ન હો તો સંવેદન નથી, તું ન હો તો હું પણ નથી જ ! –બસ માત્ર આટલો જ ફરક પડે છે મને !
પણ તું છે જ એની મને ખાતરી છે, જરૂર માત્ર છે તારામાં તને પુનઃ આરોપિત કરવાની. તારામાં રહેલી મારી જાણીતી આ ‘તું’ અત્યારે સુષુપ્ત થઈ ગઈ છે, એ ‘તું’ને જાગૃત કરવાની જ માત્ર આવશ્યકતા છે. પણ નથી જાણતો કે હું તને શી રીતે ઝંકૃત કરી શકીશ. નથી જાણતો કે આ ‘હું’ ક્યારે ‘તું’ સુધી પહોચી શકશે ? નથી જાણતો કે હું તને ફરી કેવી રીતે મેળવી શકીશ.
તને પામવાના આ હવાતિયામાં નકારાત્મક સંભાવનાઓના કંટકો સતત મને લોહીઝાણ કરતા જ રહે છે, કેમકે, તને મેળવવા માટેના મારા અથાક પ્રયત્નો અવિરત ચાલુ હોવા છતાંયે જો હું તને નહી મેળવી શકું.. તો ??

 

Tags:

સર્જકસંવાદ શ્રેણી-૨


તું ક્યાંય નથી ! કે પછી, બધે તું જ તું જ છે ?
-બંને સંભાવનાઓ આખરે તો મને દઝાડવા માટે જ તો ઊભી છે એ તું પણ જાણે છે ને ! એવામાં ખરેખર તું મળી જાય તો પણ એ આભાસમાત્ર સમજી હું ખુશ ન થઈ શકું એટલો અધીરો જ રહેવાનો !
એમ તો ક્યારેક એવો આભાસ પણ થાય કે જેમ હું તારી શોધ કરું છું એમ તું પણ મને ક્યાંક શોધી રહી હોઈશ કે ? ના, એમ ન જ બને. કારણ કે તું ધારે તો મને પળવારમાં શોધી શકે એટલો નજીક હમેશા હોઉં છું, એટલે એવી તો કોઈ શક્યતા જ નથી. તો પછી એવું તું કેમ ન ધારી શકે કે હું પણ તને પળવારમાં શોધી શકું એટલી નજીક જ તું પણ રહેતી હો તો ?
સમય પસાર થતો જાય છે, તારી તલાશમાં યુગો ની જેમ લંબાતી ક્ષણો વીતતી જાય છે તેમ તેમ મારી અધીરાઈ વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. એક સમયે તને ખૂબ ગમતી મારી આ અધીરાઈ આજે મને જ પરેશાન કરી રહી છે.
પણ.. શો ફેર પડે છે તને ?
હું આ બધું લખું છું એ તારા સુધી ક્યાં પહોંચવાનું છે ? તું આ શબ્દો સુધી ક્યારે પહોંચીશ ? ને કદાચ પહોંચ તો પણ આ ક્ષીણ શબ્દોની તારા પર અસર થશે ? ને, અસર થાય તો પણ એ વખતે તારો પ્રતિભાવ ઝીલવા હું હોઈશ કે નહિ ? એ વખતે કદાચ મોડું નહિ થઈ ગયું હોય ? હેં ?
.. મોડું થાય તો પણ.. શો ફેર પડશે તને ? કહે તો ..!

 

સર્જકસંવાદ શ્રેણી-૧


તું..

તું ક્યાં ?
શોધની ચરમસીમાએ ઊઠતો આ સવાલ કેટલો પીડાકારક હોય છે એ શી રીતે સમજાવું ? ખાસ કરીને એવા સવાલો કે જેનો જવાબ આપણે જાણતાં જ હોઈએ ! ..તું ક્યાં ? હા, તારી શોધ.. તારી તલાશ. !
હું તને શોધું છું. ક્ષણે-ક્ષણે, સ્થળે-સ્થળે, માણસે-માણસે, હું શોધું છું.. તને જ.. હા.. તને જ, તું ક્યાં..? કોઈની આંખોમાં ? સમયની પેલે પાર ? વાદળની નગરીમાં ? એવી કોઈ જગ્યા છે જ્યાં હું તને ન મેળવી શકું ? જો, જવાબની શોધખોળમાં વળી કેટલાય સવાલો ઉમેરાયા ને ? તું જ કહી દે ને હવે, આ સમયના જંગલમાં, અસીમિત ધરાતળમાં, આ સવાલોના ગંજમાં.. તું ક્યાં ?? કહે ને ..!
થાકી જાઉં છું ત્યારે તારી તલાશ અટકી જતી નથી પણ ચોપાસ તું જ હોય એવો આભાસ થાય છે. દરેક આંખમાં તું દેખાય છે, દરેક વ્યક્તિમાં તારી છાયા જોવા મળે છે, દરેક આકૃતિમાં તારો જ ચહેરો ઉપસે છે, હવાની સરસરાહટમાં તારો ધ્વનિ સંભળાય છે, સમયની ગતિમાં તારા ધબકાર અનુભવાય છે !
..ને એ બધાં જ આભાસોના ભ્રમ તૂટે છે ત્યારે ફરી પેલો વિકરાળ તીક્ષ્ણ પ્રશ્નશૂળ છાતીએ ભોંકાય છે… તું ક્યાં ?
…………………………………………………………………………….
(ક્રમશઃ)

 
1 Comment

Posted by on February 23, 2015 in ગુજરાતી

 

Tags:

Image

લવસ્ટોરી (નવલિકા)


LOVESTORY

 
 

Tags: ,

Image

બૂમરેન્ગ (વાર્તા)


boomreng

 
1 Comment

Posted by on November 1, 2014 in ગુજરાતી, વાર્તા

 

Tags: ,

 
%d bloggers like this: