RSS

Tag Archives: Gujarati Story

Gujarati Story

પહેલાં અને પછી વાર્તા-અજય ઓઝા

પહેલાં અને પછી વાર્તા-અજય ઓઝા

ટ્રેન ઉપડી, ને બરાબર એ જ સમયે તે આવીને મારી સામેની બારી પાસેની સીટ પર ગોઠવાઈ ગઈ. ઘડીભર તો હું જોઈ જ રહ્યો. શિવાની ? આંખ માની ન શકે. આ એ જ હશે ? ન જ હોય, હોય જ ન શકે. જોકે લાગે છે તો એવી જ, અદ્દલ એવી જ. જરાયે બદલાઈ નહિ હોય ! સહેજ પણ ! બિલકુલ એવી ને એવી જ લાગે છે, જેવી એ પહેલાં હતી.
કેટલાક લોકો પહેલા અને પછી પણ.. બદલાતા હોતા નથી.
ના ના, એ નહિ હોય. ભલે એના જેવી લાગે. પણ એ જ હોય એવું બને નહિ. આની સાથે તો એનો પતિ અને એક બાળકી પણ હોય એવું લાગે છે. ઘણી વાર આપણી આંખ પણ ધોખો આપી દે છે. પહેલી નજરના પ્રેમમાં પણ એવું જ તો બનતું હોય છે, નહિ ! દેખાય એના જેવી પણ અવાજ કદાચ અલગ હોય. પણ એ કેમ ખબર પડે ? કશુંક બોલે તો..
‘ગાડી આજે સમયસર છે… નહિ ?’ મારા વિચારો પામી ગઈ હોય એમ એ બોલી. હું સહેજ કંપી ગયો.. એ જ.. બિલકુલ એ જ અવાજ. એ જ લહેકો.. અરે… આ તો એ જ છે ! શિ..વા..ની..!
હું અચાનક આવી પડેલા એના સવાલ પર ધ્યાન દઉં કે એના અવાજ પર ફોકસ કરું, એ નક્કી જ ન કરી શક્યો !
‘હે.. ? હા… સમયસર જ હોય છે હમણાંથી.’ હું બોલ્યો.
મને પ્રશ્ન થયો, જો શિવાની જ હોય તો મને કેમ ઓળખી ન શકી ? ઓહ.. હા, કેટલા વરસ થઈ ગયા ! એ નથી બદલાઈ, પણ હું તો હવે પહેલા જેવો ક્યાં રહ્યો છું ? ના અવાજ, ના દેખાવ, ના સ્વભાવ, કશુંય પહેલા જેવું નથી રહ્યું. હું જ પહેલા જેવો નથી રહ્યો તો !
મારું તો સઘળું બદલાઈ ચૂક્યું છે. જાણે મારું જગત જ બદલાઈ ગયું હોય એમ લાગે. એને આપેલા નંબરવાળા સીમકાર્ડ સિવાય મેં તો કશુંયે એનુ એ રાખ્યું જ નથી. દાઢી-મૂછ પણ નહિ. હું પહેલા જેવો નથી રહી શક્યો.
એના પતિનો ક્લીનશેવ્ડ ચહેરો જોઈ મને કશુંક યાદ આવ્યું.
‘આ કરકરી દાઢી હવે હમેશા મારે જોઈશે જ..’ એણે એકવાર કહેલું, ને મેં એની વાતનો એના ચાલ્યા ગયા પછી પણ લાંબા સમય સુધી અમલ ચાલુ જ રાખેલો ને.
એ મને ઓળખી ન શકી તોયે એનાથી નજર છુપાવવા હું બારી બહાર જોવા માંડ્યો. એ તો બિલકુલ સ્વાભાવિક રીતે જ બેઠી બેઠી બધું નિરીક્ષણ કરી રહી હતી.
રહી રહી ને એક સવાલ સળવળે છે, એ મને ઓળખી નહિ શકી હોય કે મને ઓળખવા જ નહિ માગતી હોય ?
કદાચ આ સમયમાં તેનામાં આ જ ફરક પડ્યો છે.. પહેલા એ મને ઓળખતી હતી ! અને હું ? પહેલા પણ, અને આજે પણ, કદાચ એને ઓળખી જ નહિ શકું.
સરકતી એક સાંજે તળાવની પાળે હાથમાં હાથ પકડીને એણે મને કહેલું, ‘જો તારી સાથે લગ્ન નહિ કરી શકું તો બીજા કોઈની પણ હું થઈ શકીશ નહિ, હું બીજા કોઈનો હાથ પકડી નહિ શકું.’
મેં મારો હાથ ખોલ્યો અને હથેળીમાં છપાયેલી એના હાથની છાપ શોધવા પ્રયાસ કર્યો. કશુંયે ન મળ્યું એટલે એની હથેળી જોવા વિચાર્યું પણ એનો હાથ તો એના પતિના હાથમાં ક્યારનોયે પરોવાઈ ચૂક્યો હતો.
‘મમ્મી, મને ભૂખ લાગી છે.’ એની બાળકી બોલી પણ એ બન્નેમાંથી કોઈએ કદાચ સાંભળ્યું નહિ. હું એ બાળકીને જોઈ રહ્યો.
‘એક સવાલ પૂછું ?’ તળાવની પાળે એનો હાથ છોડ્યા વગર એ સમયે મેં પૂછેલું, ‘આપણાં સંતાનનું નામ શું પાડીશું ?’
પહેલેથી જ નક્કી હોય એમ એણે એટલી જ સ્ફૂર્તિથી જવાબ આપેલો, ‘માહી.’
‘સ્યૉર ? બેબી ગર્લ ? હાઉ ડૂ યૂ નૉ ?’
‘મને ખાતરી છે, માહી જ નામ રાખીશું. બીકોઝ આઈ નૉ… આપણે ડોટરને જ જન્મ આપીશુ.’
‘એમ ? પછી એ પણ તને મારી જેમ ખૂબ પજવશે તો ?’
‘તું બચાવી લેજે ને મને, જેમ આજે બચાવે છે એમ..’ એ હસી પડેલી.
ટ્રેનમાં સ્પીડબ્રેકર્સ આવતા નથી હોતા એટલે વિચારો પૂરપાટ ગતિમાં દોડી શકતા હોય છે, પણ એની બાળકીને ભૂખ લાગી હતી. એટલે અકળાતી હતી.
‘મમ્મી.. ભૂખ..’ પેલી બાળકી એને ઢંઢોળવા લાગી.
મેં મારા થેલામાંથી એક બિસ્કીટનું પેકેટ કાઢ્યું અને તેના તરફ લંબાવતા બોલી જવાયું, ‘માહી.. લે.’
તેણે બિસ્કીટનું પેકેટ લીધું અને કહે, ‘થૅન્ક્યૂ અંકલ, બટ મારું નામ ખુશી છે.’
હું છોભીલો પડ્યો. માહી નામ સાંભળીને બારી બહાર ખોવાયેલી શિવાનીની ઉંઘરેટી આંખો જરા ખૂલી.. ખુશી તરફ જોતા વધુ પહોળી થઈ.. પણ પછી કશાય ઉત્પાત વગર જ ફરી ખોવાઈ ગઈ. એ પહોળી થયેલી આંખમાંથી ખુશી કંઈક સમજી ગઈ હોય એમ બિસ્કીટનું પેકેટ મને પાછું આપતા ખુશી કહે, ‘સૉરી અંકલ, બટ ટ્રેનમાં અજાણ્યા લોકો પાસેથી ખાવાનું લેવાય નહિ.’
‘સાચી વાત છે બેટા તારી, હું તો કેટલો બધો અજાણ્યો બની ગયો છું ને !’ પહેલું વાક્ય બોલાયા પછી હોઠે આવેલા બીજા વાક્ય પર મેં કાબુ મેળવી લીધો. પણ વાત ખોટી પણ ક્યાં હતી ? આજે તો હું ખુદ પણ મને સાવ અજાણ્યો લાગી રહ્યો હતો.
ફરી શાંતિ છવાઈ ગઈ. એક સ્ટેશન પરથી શીંગ-રેવડી વાળો ચડ્યો, એટલે એના અવાજો ડબામાં અથડાતા રહ્યાં.
ઍન્જિનની દિશામાં મારી પીઠ હતી, એટલે મારી બારીમાંથી દેખાતા દૃશ્યો પીઠ પાછળથી આવી ને દૂર સુધી મારો સાથ ન છોડતા હોય એવું લાગે. એ મારી સામેની બેઠક પર હતી, એટલે બારીમાં આવનારા દૃશ્યોની એને અગાઉથી જ ખબર પડી જાય અને પસાર થતા દૃશ્યો એની પીઠ પાછળ ઝડપથી વિસ્મૃતિની ઝાડીમાં ગાયબ થઈ જાય. પરિણામે એક જ દિશામાં જતી એક જ ટ્રેઇનમાં સાથે જ સફર કરતા હોવા છતા, સામસામે બેઠા હોવાને કારણે અમારા બન્નેની બારીના દૃશ્યો જાણે અલગ દિશામાંથી આવતા હોય અને અલગ દિશામાં જતા હોય એવું લાગે. એક રીતે એવુ સમજાય કે પસાર થઈ ગયેલા દૃશ્યો હું એની બારીમાંથી ક્યાંય સુધી જોઈ શકું, પણ વર્તમાનના દૃશ્યોને ભૂતકાળ બનાવી દેવાની એની બારીને જાણે બહુ ઉતાવળ હોય !
અચાનક ડબ્બામાં આવી ચડેલા એક સેલ્સમૅને વિચારમાળાને તોડી, ‘ફ્રી સેમ્પલ, ફ્રી સેમ્પલ, મેળવો એકદમ ફ્રી સેમ્પલ. ચામડીના દરેક જાતના ડાઘ ચકામા દૂર કરે માત્ર ૧૦ રૂપિયામાં. અજમાવી જૂઓ ને ખાતરી કરો. માત્ર ૭ દિવસ વાપરો અને પરિણામ જૂઓ. જૂઓ, આ રહ્યા અમારી દવાના પૂરાવા. આ પત્રિકાના ફોટામાં અમારી દવાથી સાજા થયેલા દર્દીઓના પહેલાના અને સારવાર પછીના ફોટા.. બરાબર જૂઓ. મેળવો ફ્રી સેમ્પલ ફ્રી સેમ્પલ..’
ઉડતી ઉડતી એ પત્રિકાઓ ફ્રી સેમ્પલ સાથે અમારી પાસે પણ આવી. ‘પહેલા’ ટાઈટલમાં દર્દીઓના ચકામા-ડાઘવાળા ફોટા હતા અને એની સામે ‘પછી’ ટાઈટલમાં નોર્મલ સ્કીન બતાવતા રંગીન ફોટા હતા.
એક પત્રિકા શિવાની પણ જોઈ રહી હતી.
‘પહેલા અને પછીમાં આટલો તફાવત ? હોય શકે ખરો ?’ તેણે મને સીધું જ પૂછ્યું.
જવાબ માટે હું સહેજ પણ તૈયાર નહોતો પણ કહેવાઈ ગયું, ‘એ તો રોગ કેટલો આગળ વધી ઊંડો ઊતરી ગયો છે એના પર આધાર હોય, બાકી તો… મને બહુ ખબર નથી પડતી આ બધી વાતોમાં.’
‘પણ આ તો ચામડીનો રોગ.. ઉપર ઉપર જ હોય, અંદર એની અસર ઉતરી હોય શકે નહિ.’ એના પતિએ પણ એની વાતમાં સૂર પૂરાવ્યો. શિવાની એ પણ હા ભણી.
સંમત થવું જ મને યોગ્ય લાગ્યું, માટે હું ચૂપ રહ્યો. ચૂપ રહેવું એટલે સંમત થવું. પહેલા પણ હમેશા ચૂપ જ રહ્યો છું ને. એણે સામેથી પ્રપોઝ કરેલું ત્યારે, બીજા કોઈ નો હાથ પકડીને લગ્ન નહિ કરવાનું એણે પ્રોમિસ આપેલું ત્યારે, ‘ખુશી’નું નામ ‘માહી’ પાડેલું ત્યારે અને જ્યારે કશાય ખુલાસા વગર એ ચાલી ગઈ ત્યારે પણ.. હું તો બસ ચૂપ જ રહ્યો છું !
થોડીવાર ટ્રેનમાં સન્નાટો છવાયેલો રહ્યો. શીંગ-રેવડી વેચવાવાળો પણ ટોપલો એક તરફ મૂકીને દરવાજે પગ લબડતા રાખીને બેસી ગયો. શિવાનીનો પતિ લગભગ ઉંઘી ગયો હતો. શિવાની જાગતી હતી, પણ પોતાની અંદરની દુનિયામાં જ. બહારની દુનિયા સાથે એને કશોય સંબંધ હોય જ નહિ એટલી બેફિકર !
‘અંકલ, તમારે માહી નામની ડોટર છે ?’ ખુશીનો સણસણતો સવાલ આવ્યો. ટ્રેનનો સન્નાટો સહેજ ઘવાયો. જવાબ માટે હું તૈયાર ન હોઉં ને મને સવાલ પૂછી ચમકાવી દેવાની ટેવ તેને મમ્મી પાસેથી જ મળી હશે.
‘હે.. ? ન્…ન…., હા… હા.’ હું થોથવાયો. શિવાનીની બે આંખો ફરી પહોળી થઈ એટલે માહી… ઓહ, સૉરી.. ખુશી ચૂપ થઈ ગઈ. મારી જેમ.
મને થયું કે કદાચ ‘માહી’ નામ કાને અથડાવાને કારણે શિવાનીના ચિત્તમાં કશોક ઝબકાર થયો હશે ? પણ એના ચહેરા પર તો નરી લાપરવાહી જ નીતરે છે બસ ! સંયોગો પણ કેવા અજીબોગરીબ બની જતા હોય છે ! જે લાપરવાહી પર આપણે હમેશા આફરીન હોઈએ, એ જ લાપરવાહી ક્યારેક આપણને મૂળમાંથી આમ હચમચાવી દે છે ! એક જમાનામાં વહાલી લાગતી એ જ બેફિકરાઈ આજે મને અંદરથી અકળાવી મૂકે છે.
લાગણીઓ આટલી તકલાદી હોય શકે ? હૈયે ઘૂટાયેલું કોઈ નામ તમે આમ જ ભૂલી શકો ? વેરવિખેર સન્નાટામાં ઘૂમી રહેલું એક અણિયાળું નામ એને યાદ નહિ હોય શું ? કાયમ અગત્યનું રહ્યું હોય એવું કોઈ એક નૉટીફિકેશન તમારા મોબાઈલ સ્ક્રીન પર હમેશા ‘અનરીડ’ કેવી રીતે રહી શકે ?
ચાલુ ટ્રેને અચાનક ઝબકી હોય એમ શિવાની જાગી અને ચારે બાજુ જોવા લાગી, ‘પેલો સેલ્સમૅન ક્યાં ગયો ?’
એના અચાનક આ સવાલથી હું રાબેતા મુજબ ભડક્યો.
‘કેમ ? ક્યો સેલ્સમૅન ? શું કામ હતું ?’ તેનો પતિ પણ હડબડાહટમાં જાગી ગયો.
‘અરે સફેદ ડાઘની દવાવાળો, મારે કામ હતું જલ્દી શોધો એને પ્લીઝ.’ શિવાની ઊભી થઈ ડબામાં આમતેમ તપાસ કરવા લાગી. એનો પતિ બીજા ડબામાં શોધખોળ કરવા દોડ્યો.
‘પણ એનું શું કામ પડ્યું ?’ મેં પૂછ્યું.
‘દવા લેવી છે મારે, મારા એક અંકલ માટે, પ્લીઝ જરા એને બોલાવી આપો ને.’ શિવાની બોલી.
એટલામાં એનો પતિ આવ્યો, ‘ક્યાંય નથી, કોઈ સ્ટેશને ઊતરી ગયો હોવો જોઈએ. હું બધે તપાસ કરી આવ્યો.’
શિવાની અકળાઈ ને જરા ગુસ્સે પણ થઈ, ‘આટલી વારમાં શું જોઈ આવ્યા તમે ? બધા ડબામાં તપાસ કરો, કોઈ બર્થ પર સૂતો હોય તો પણ જોજો, ટોઈલેટમાં પણ હોય, ઍન્જિનથી ગાર્ડના ડબા સુધી બરાબર જૂઓ, અંકલ માટે એ દવા બહુ જરૂરી છે.’
‘પણ.. હવે એને કેવી રીતે.. ?’ એનો પતિ કંઈક બોલવા જતો હતો.
‘બીજી વાતોમાં સમય પછી બગાડજો, આખીયે ટ્રેન ફંફોસો, બધા ટોયલેટ અને બર્થ પણ ચકાસો, જરૂર પડે તો સાંકળ ખેંચો, જે કરવું હોય તે કરો પણ પહેલા સેલ્સમૅનને શોધી લાવો. માણસ ધારે તો કોઈ પણ વ્યક્તિને દૂનિયાના કોઈ પણ ખૂણેથી શોધી લાવે.’ શિવાની એકધારું બોલી ગઈ.
મને તેનું છેલ્લું વાક્ય ગમી ગયું, એટલે મારા હોઠે એનું એ જ વાક્ય ફરી આવી ગયું, ‘એક્ઝેટલી, તમે એકદમ સાચું કહ્યું, માણસ ધારે તો દૂનિયાના કોઈ પણ ખૂણેથી પોતાના માણસને શોધી જ શકે… ધારે તો !’
-પછી જરા અટકીને શિવાનીની આંખમાં આંખ મિલાવીને મેં ઉમેર્યું, ‘બાય ધ વે, મારું ઉતરવાનું સ્ટેશન આવી ગયું છે, હડબડાહટમાંથી શાંત પડો ત્યારે પેલી પત્રિકા ખોલીને ધ્યાનથી જોઈ લેજો, એમા પેલા સેલ્સમૅનનો ફોન નંબર આપેલો જ છે, ને એણે પણ મારી જેમ કોઈના કૉલ આવવાની રાહમાં પોતાનો નંબર નહિ જ બદલાવ્યો હોય !’

-અજય ઓઝા (મો- ૦ ૯૮ ૨૫ ૨૫ ૨૮ ૧૧)
૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ,
ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)

Advertisements
 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી ૧૭


..૧૭..
જોકે; સજા તો મળે જ છે,
કોઈને ચાહવાની કે કોઈને ચાહી ન શકવાની,
કોઈને યાદ ન રાખવાની કે કોઈ ને ભૂલી ન શકવાની,
ફૂકી ફૂકીને પગલા ભરવાની કે આંખો મીંચીને વિશ્વાસ કરી લેવાની,
લાગણીઓને જ લાયકાત માની લેવાની..
સજા તો મળે જ છે !
કેમ કે આ સમાજ છે, ટોટલ જજમેન્ટલ સોસાયટી. એટલે જ અહિ માણસો ઓછા અને ‘ન્યાયધીશો’ વધુ હોય છે. સતત સમાજના ત્રાજવે તોળાતા રહી ઉપરતળે થયા કરવાનું. અહિ લાગણીઓ લાયકાત બની શકે નહિ, અહિ કોમ્પ્રોમાઈઝ કરવાની તમારી તાસીર પણ તમને ઊગારી શકે નહિ. અહિ તો કુંડળીમાં પણ ન હોય એવા એવા પૂર્વગ્રહો જ નડતા-કનડતા રહે છે. કોઈને તમારી અંદર ઝાંકવાનો સમય નથી હોતો, એમ કરવામાં એને કશો ફાયદો નથી હોતો. લોકોને ‘લાભ’ન દેખાય એવી સચ્ચાઈમાં રસ નથી હોતો.
પણ જેને સજા આપવી જ હોય એ તમારી ભૂલોની રાહ શા માટે જોવે ? અહિ તમારું મૌન પણ તમારો અપરાધ ગણાય એ સંભવ છે. તમારી જબ્બર સહનશક્તિ પણ અક્ષમ્ય બની શકે. માટે;
સજા તો મળે જ,
કરવાની રહી ગયેલી ભૂલોની,
બોલવાના રહી ગયેલા શબ્દોની,
ભીતર જ ડૂમાઈ ગયેલા વિચારોની,
ન કરાયેલા ખુલાસાઓની,
ન કરેલા અપરાધોની..
સજા તો મળે જ..

 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી-૧૬


..૧૬..
નસીબદાર છે તું..
કોઈ પણ કાળે તને ભૂલી જવાની છે –એ વાત યાદ રાખવી પડે છે.
માનવ સ્વભાવનું આ વિચિત્ર લક્ષણ હશે કદાચ; કોઈ વાર યાદ રાખવા મહેનત કરવી પડે તો કોઈ વાર ભૂલી જવા માટે. તને તો ખબર જ હશે, બોલતા શીખ્યા પછી ચૂપ રહેતા શીખવું કેટલું મુશ્કેલ હોય છે.. ખરું કે નહિ ?
પગથિયાં ચઢીને ઉપર જતી વખતે માત્ર ગુરુત્વાકર્ષણ બળનો જ સામનો કરવાનો હોય છે, પરંતુ નીચે આવતી વખતે કેટલાયે બળોનો સામનો કરવો પડતો હોય છે. ખુલી આંખે દેખાતા દૃશ્યો આંખો બંધ કરવાથી વધુ સ્પષ્ટ થતા હોય છે ને ! શબ્દો અને સ્પર્શ કરતા પણ મૌનની ભાષા અદકેરી જ રહેવાની.
આયનામાં દેખાતા હાઈ ડેફિનેશન પ્રતિબિંબ કરતા પણ કૅનવાસ પર રચાયેલ પૅન્સિલ સ્કેચ લોકોને વધુ ગમતો હોય છે. તારી ગેરહાજરી એટલી કોઠે પડી ગઈ છે કે તારી હાજરી હવે કદાચ જીરવાય નહિ એમ પણ બને.
પૂનમના ચંદ્રની સાક્ષીએ તમે કોઈની સાથે સપ્તપદી જેવા સંકલ્પો કર્યા હોય એ ભૂલી શકો ? તો તમે નસીબદાર છો. કેમ કે ભૂલી જવાની આટલી અઘરી કળા હરકોઈને હસ્તગત હોતી નથી.
ઈર્ષ્યા થઈ આવે એટલી નસીબદાર છો તું, બાકી અહિ તો તને ભૂલી જવાની વાત પણ હમેશા યાદ રાખવી પડતી હોય છે. એટલે જ કહ્યું ને.. નસીબદાર..

 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી – ૯


..૯..
લે.. વરસાદ આવ્યો !
હવે શા કામનો આ વરસાદ ? છત પર એકઠો થયેલો કચરો તાણી જાય એટલે બસ. બાકી હવે આ વરસાદમાં કશો રસ નથી પડતો મને હવે.
વરસાદનું જોર વધે છે, બધે પાણી ફરી વળે છે, એનો ધોધમાર અવાજ મને ઊભો કરી દે છે, થાય છે કે આજે ફરી એકવાર દોડી જાઉં ને મન ભરીને ભીંજાઈ લઉં ! પણ ફોટોફ્રેમમાંથી બાપુજી અટકાવે છે, ‘હવે ના જઈશ હો, ફરી ભૂલ કરીશ તો ફરી માંદો પડીશ પાછો.’
એમની ચિંતા ખોટી પણ નથી હોતી. ફરી એ ભૂલ શું કામ કરવી જોઈએ ? આમેય મનની બીમારી તન સુધી ન પહોંચે એ જ સારું. બાકી તને ખબર છે ને, એક જમાનો હતો, બાપુજીની આજ્ઞાનો બિન્દાસ જવાબ આપીને હું તારી સાથે.., પણ એ વખતે એ બધી હિંમત હતી… હવે ? ખબર નથી.
હવે હિંમત જુટાવું છું, હવે આવી કોઈ ઝરમરતી સાંજે ફરી તું આવે ને કહે કે, ‘ચાલ પલળીએ.’ તો હું ડોકું ધૂણાવી ઘસ્સી ને ના કહી દઉં, ‘નથી આવવું જા.’
આવો વરસાદ કોને ગમે જે આંખો ભીંજવે ને હૈયુ કોરું કરે ?
એટલે જ; હિંમત જુટાવું છું, તને ના કહેવાની ! …નથી આવવું જા !

 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી-૭


…૭…
યાદ કરે છે તું મને ?
તારો જવાબ ‘હા’ હોય તો તું સાબીતી આપ. ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું ? કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ તારી આંખો ભીની થાય છે ? પવનના સ્પર્શનો રોમાંચ અનુભવાય છે ? અનાયાસ મારી પસંદનું કોઈ ગીત તારા સાંભળવામાં આવી જાય ત્યારે ? થાય છે કશું ? જૂના પુસ્તકની અધવચ્ચે મૂકાયેલા કોઈ બૂકમાર્કમાંથી મારી સુગંધ નીકળે છે ? કોઈ સાવ અંગત માણસ તારી કૅર કરે એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે ત્યારે કઈ ખોટ વરતાય છે ?
કહે, કોઈ એક તો સાબીતી આપ ! તું મને યાદ કરે છે ?
ને, જો તારો જવાબ ‘ના’ હોય તો… કશીયે સાબીતી આપવાની જરૂર રહેતી નથી ! પણ તો પછી; બારીમાંથી તારી બૅડ પર આવતા ચન્દ્રકિરણોને રોકવા તારે પરદાની શી જરૂર છે ? ક્યારેય વાંચવા હાથમાં નથી લીધું એવા એક પુસ્તકને અકબંધ બૂકમાર્ક સાથે હજુયે કેમ તારા ઓશીકા નીચે રાખ્યું છે ? ડીલીટ થઈ ચૂકેલો એક નંબર હજૂયે કોઈ ડસ્ટબીનમાંથી કાઢવાનો જાણી જોઈને બાકી રાખવાનો શો મતલબ ? જ્યારે આ રસ્તે ફરી આવવાનું જ નથી તો પછી રહી રહીને પાછું વાળીને જોવાનો કોઈ અર્થ ખરો ?
બોલ, તું યાદ કરે છે મને ? ..પણ હવે જવાબ નથી જોઈતો !

 

Tags: ,

સર્જકસંવાદ શ્રેણી-૫


તું આવે છે ને આ ગુરુવારે ?
તે કહેલું કે બે-ચાર દિવસનો જ સવાલ છે ! આ ગુરુવારે તો હું આવું છું ! માવઠાના વાદળોની જેમ આ દિવસો તો પસાર થઈ જશે. ગણતરીની ક્ષણોમાં જ મારા વિનાની આ રાતો સપનાઓને ચીરતી ક્યાંય નીકળી જશે. આંખના પલકારામાં તો હું પાછી આવી પહોચીશ તારા વાસ્તવની ભૂમિ પર ! રે બુદ્ધુ.. થોડી પળોનો વિરહ એ કઈ વિરહ કહેવાતો હશે ? જરા આ ક્ષણજીવી વિલંબની મજા માણ ત્યાં, હું તો આ ગઈ ને આ આવી !
..તો તું આવે છે ને ? હું રાહ જોઉં છું તારી. માવઠું પત્યા પછી રહી રહી ને આવેલા ચોમાસાના વાદળો પણ થાકીને નીતરી ગયા. ક્ષણોની ગણતરી તો હવે શી વિસાતમાં ! રાતોની રાતો સપના વગરની બંજર ભૂમિની જેમ સૂકાતી ચાલી. અપલક તારો રસ્તો નિહાળતો આ બુદ્ધુ હજીયે આપણા કાયમના મળવાના ચોક્કસ ત્રિભેટે મીટ માંડી ઊભો છે !
અસંખ્ય ગુરુવારો પસાર થતા રહે છે. એક પ્રશ્નનો ઉત્તર મને મળતો નથી; ક્ષણજીવી વિલંબ આટલો પ્રલંબ કેમ ? પણ એમ હું હારી જાઉં એવો તો નથી જ. મને ખબર છે, તું મને હારતો જોવા પણ ન જ ઈચ્છે ને !
..તો તું આવે છે ને આ ગુરુવારે ? કારણ કે, વર્ષો પહેલા તું જ્યારે ગઈ ત્યારે જતા જતા તે એટલું કહેલું કે, આ ગુરુવારે તો હું આવું છું !

 

Tags: ,

Image

લવસ્ટોરી (નવલિકા)


LOVESTORY

 
 

Tags: ,

 
%d bloggers like this: